શહેરના ગંજીવાડા વિસ્તારમાં પાડોશમાં જ રહેતી ૧૭ વર્ષીય સગીરા રાજલ કિહલા તેમજ ૩૩ વર્ષીય રવિ મકવાણા નામનો યુવાન ચાર દિવસ પૂર્વે બોટાદના થાક પીપળીયા ગામ ખાતે નાસી ગયા હતા. ત્યારે બુધવારના રોજ બંને બોટાદના રાણપુર તાલુકાના થાક પીપળીયા ગામ ખાતેથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમણે બસમાં જ ઝેરી દવા પી લીધી હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે સગીરાના માતા-પિતા દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયેલ હોવાની નોંધ પણ કરાવવામાં આવી હતી.પરિવાર તેમજ પોલીસ દ્વારા સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સગીરાના પરિવારને જાણવા મળ્યું હતું કે બુધવારના રોજ સવારના સમયે રવિ રાજલને લઈ બોટાદથી રાજકોટ ખાતે બસમાં આવી રહ્યો છે. તેમજ બંને આજીડેમ ચોકડી પાસે ઉતરવાના છે. જેથી રાજલના પરિવારજનો આજીડેમ ચોકડી પાસે પહોંચ્યા હતા. તેમજ બસમાંથી નીચે ઉતરતી વેળાએ રાજલ નીચે ઢળી પડી હતી. ત્યારબાદ રવિ પણ ત્યાંથી ભાગી ગયો હતો.બેભાન હાલતમાં રાજલને સિવિલ હોસ્પીટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. તેમજ બપોરના દોઢ વાગ્યા આસપાસ રવિ મકવાણા પણ બેભાન હાલતમાં ભાવનગર રોડ પર આવેલી રાજમોતી મીલ પાસેથી મળી આવ્યો હતો. બેભાન હાલતમાં રવિને પણ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને પણ મરણ ગયેલ જાહેર કર્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રવિના સાત વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા હતા. સંતાનમાં તેને એક દીકરી છે. તેમજ પોતે કારખાનામાં કામકાજ કરતો હતો. તેમજ રાજલ પણ અગાઉ બંગડીના કારખાનામાં કામકાજ કરવા જતી હતી. પરિવારજનોએ છેલ્લા બે મહિનાથી કામ મુકાવી દીધું હતું. રાજલ બે ભાઈ ચાર બહેનમાં મોટી હોવાનું સામે આવ્યું છે. તેમજ તેના પિતા કડિયા કામ કરતા હોવાનું સામે આવ્યું છે. રાજલના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રવિ તેમની દીકરી રાજલને ભગાડીને થાક પીપળીયા ગામ ખાતે રહેતા પોતાના નાના નાનીના ઘરે લઈ ગયો હતો.









































