રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે ૨૦ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની ખોટી ખાતરી આપી દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, જંગલેશ્વર વિસ્તારમાં રહેતી યુવતીને છ મહિના પહેલા ભવાની ચોક પાસે આરોપી સોહિલ ઈબ્રાહીમ નોતીયારે કાગળ પર પોતાનો મોબાઈલ નંબર લખીને આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ અને ધીમે-ધીમે મિત્રતા પ્રેમમાં પરિણમી.
આરોપીએ પોતાની ઓળખ માંડાડુંગર વિસ્તારમાં મોબાઈલ રિપેરિંગ દુકાન ધરાવતા વેપારી તરીકે આપી હતી અને વિશ્વાસ જીતવા યુવતીને મોબાઈલ ફોન ભેટમાં આપ્યો હતો.
ગત ૨૭ માર્ચે યુવતીના પિતાએ ફોન પર વાતચીત કરતા પકડી પાડતા યુવતીનો ફોન તોડી નાખ્યો હતો. આ બાબતની જાણ થતાં આરોપીએ યુવતીને ઘર છોડીને તેની પાસે આવવા માટે પ્રેરિત કરી હતી. ૩૧ માર્ચની રાત્રે યુવતી ઘરેથી નીકળી અને પ્રણામી ચોક ખાતે પહોંચી હતી, જ્યાંથી આરોપી તેને બાઈક પર બેસાડી પોતાના સંબંધીના ઘરે લઈ ગયો હતો.
યુવતીના આક્ષેપ મુજબ, આરોપીએ “હું તારી સાથે જ લગ્ન કરીશ” કહી તેની મરજી વિરુદ્ધ એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ બીજા દિવસે પોતે પહેલાથી જ પરિણીત હોવાનો ખુલાસો કર્યો અને યુવતી સાથે લગ્ન કરી શકશે નહીં એમ કહી તેને તરછોડી દીધી હતી.
યુવતીએ ઘરે પરત ફરીને સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાતા આજીડેમ પોલીસ મથક માં આરોપી સોહિલ ઈબ્રાહીમ નોતીયાર વિરુદ્ધ દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.હાલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.









































