ગુજરાતની વધુ એક વીજ કંપની પરીક્ષાને લઈને વિવાદમાં આવી છે. પીજીવીસીએલ દ્વારા રાજકોટ, અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં રપ કેન્દ્રો પર લેવાયેલી વિધુત સહાયકની પરીક્ષામાં રાજકોટનાં બે કેન્દ્રો પર કેટલાક ઉમેદવારોને આપવામાં આવેલા પ્રશ્ન પત્રોનાં સીલ તૂટેલા હોવાનું બહાર આવ્યુ છે. દરમિયાન આ મામલે કેટલાક વિધાર્થી આગેવાનોએ પેપર ફૂટયાનો આક્ષેપ કર્યો છે જયારે બીજી તરફ પીજીવીસીએલનાં સતાધિશોએ ટેકનિકલ કારણોસર કેટલાક પ્રશ્નપત્રોમાં આવુ બન્યુ છે પેપર લીક થયુ નથી અને કોઈ વિધાર્થીને અન્યાય થવાનો પ્રશ્ન ન હોવાનો દાવો કર્યો છે.
પીજીવીસીએલ દ્વારા તા. ર૯ મીએ જુનીયર આસિ. ( વિધુત સહાયક), જુનિયર એન્જીનીયર, ડે.સુપ્રિન્ટેન્ડન્ડ એકાઉન્ટ, જુનિયર પ્રોગ્રામર સહિતની કુલ છ કેડર માટેની ખાલી જગ્યાઓ માટે રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ રપ કેન્દ્રો પર ૬૩૧ બ્લોક પર પરીક્ષા લેવામાં આવી હતી. સૌથી વધુ ઉમેદવારો વિધુત સહાયકની પરીક્ષા માટે હતા. કુલ પ૭ વિધુત સહાયકની ખાલી જગ્યાઓ માટે કુલ ૧૭૬૪૯ ઉમેદવારો નોંધાયા હતા તેમાંથી ૧૧૯૦૮ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને પ૭૪૧ ગેરહાજર રહયા હતા. સવારે ૧૧ થી ૧ર.૩૦ દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી.
દરમિયાન રાજકોટનાં ચૌધરી હાઈસ્કુલનાં કેમ્પસમાં આવેલી કે.એ.પાંધી સ્કૂલનાં ર૦ અને સૌરાષ્ટÙ યુનિ.નાં કન્વેશન સેન્ટરમાં પરીક્ષા આપી રહેલા ર૦ ઉમેદવારો મળીને કુલ ૪૦ જેટલા ઉમેદવારોને પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ ત્યારે સીલ તૂટેલુ હતુ. આ મામલે ઉમેદવારોએ કેન્દ્રો પર હોબાળો મચાવ્યો હતો. ઉમેદવારોએ એવો આક્ષેપ કર્યો હતો કે પેપરનું સીલ તૂટેલુ હતુ તે અંગે કેન્દ્રનાં સંચાલકોનું ધ્યાન દોર્યુ હતુ પરંતુ કેટલાક કાગળોમાં તેમણે અમારી સહી લીધી હતી પરંતુ કોઈ ખુલાસો કર્યો ન હતો. પરીક્ષા માટે અમે મહેનત કરી હોય તેના પર આવી ઘટનાઓથી પાણી ફરી વળે છે. કેટલાક વિધાર્થી નેતાઓએ આ મામલે પીજીવીસીએલ સતાધિશો તપાસ કરે તેવી માગણી કરી છે.
દરમિયાન પીજીવીસીએલનાં સત્તાધિશોએ જણાંવ્યુ હતુ કે ટેકનીકલ કારણોસર બે કેન્દ્રોમાં ૪૦ ઉમેદવારોને જયારે પેપર અપાયુ તેમાં ટેકનીકલ કારણોસર સીલ તુટેલુ હોવાનું સામે આવ્યુ છે પણ પ્રિન્ટીંગ પ્રેસ અને કેન્દ્રો સુધી પેપર પહોંચ્યા ત્યારે સીલ પેક હતુ તેનાં વીડીયો રેકોર્ડીંગ છે. વિધાર્થીઓની હાજરીમાં આ પેપર ખોલવામાં આવ્યા હતા. કુલ ત્રણ સીલ હોય છે તેમાં કેટલાક પેપરમાં ત્રીજો નંબરનું સીલ તુટયુ હોવાનું સામે આવ્યુ છે પરંતુ તેનાંથી ગોપનીયતાનો ભંગ થતો નથી. કોઈ પરીક્ષાર્થીઓને અન્યાય થવાનો પ્રશ્ન નથી.
ગુજરાતની પાવર ડિસ્ટ્રીબ્યુશનની સૌથી મોટી વીજ કંપની પીજીવીસીએલ દ્વારા આજે વિદ્યુત સહાયકની લેવાયેલી પરીક્ષામાં રાજકોટનાં બે કેન્દ્રોમાં ઉમેદવારોને સીલ તૂટેલા પ્રશ્નપત્રો મળતા ફરી એક વાર તંત્ર દ્વારા લેવાતી પરીક્ષાઓ સામે સવાલો ઉભા થયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહયો છે. દરમિયાન આજે પેપરનાં સીલ તૂટવાની ઘટના સામે આવી તેને લઈને કોઈ પરીક્ષાર્થીને અન્યાય નહિ થાય તેવો દાવો સતાધિશોએ કર્યો છે.
પીજીવીસીએલનાં એમ.ડી. વરુણકુમાર બરનવાલે સ્વીકાર્યુ હતું કે બે કેન્દ્રોમાં ઉમેદવારોને પેપર આપવામાં આવ્યા ત્યારે સીલ તૂટેલા હતા પરંતુ આ ત્રીજો નંબરનું સીલ હોય છે જેને લઈને ગોપનીયતાનાં જોખમાય તેવો કોઈ સવાલ ઉભો થતો નથી એટલે પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈ અન્યાય નહિ થાય. આમ છતાં, ભવિષ્યમાં આવુ ન થાય અને ઉમેદવારોમાં અવિશ્વાસ ઉભો ન થાય તેની કાળજી લેવામાં આવશે. પરીક્ષાનું સંચાલન સરકારની જ એક એજન્સીને સોંપાયુ હતુ.બપોર બાદ બીજો કેડરની પરીક્ષા લેવાઈ હતી તે પણ શાંતિપુર્ણ રીતે પુરી થઈ હતી.