રાજકોટમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વિજ્ઞાન જાથા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પશુબલી હોય કે ભૂવાઓના ધતિંગો હોય વિજ્ઞાન જાથા દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવે છે. શહેરમાં કોઠારિયા વિસ્તારમાં નિર્દોષ પશુઓની બલી ચઢાવવામાં આવતી હોવાની માહિતી મળતા વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પશુઓને બચાવવાનો પ્રયત્ન કરતાં સ્થાનિકો દ્વારા હુમલો કરાયો હતો. રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં માતાજીના માંડવામાં પશુબલી અટકાવવા જતાં બબાલ થઈ હતી. વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સાથે માતાજીના માંડવે પહોંચીને નિર્દોષ પશુઓને બચાવવા જતાં દેકારો બોલી ગયો હતો. જીવ હિંસા અટકાવવા માટે વિજ્ઞાન જાથાના જયંત પંડ્‌યા અને પોલીસ કોઠારિયા સોલવન્ટ પાછળ આવેલા વિસ્તારમાં પહોંચ્યા હતાં. જ્યાં સાતેક પશુઓની બલી ચઢાવવાની તૈયારી કરાઈ હતી. આ દરમિયાન સ્થાનિકો દ્વારા વિજ્ઞાન જાથા અને પોલીસ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. પશુઓને બચાવવા જતાં મોટી બબાલ થઈ હતી. પોલીસ પર એટેક થતાં મામલો બિચક્યો હતો. પોલીસે આ ઘટનામાં ૬થી વધુ આરોપીને ઝડપી લીધા હતાં.