આ વર્ષે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોનો મોટા ભાગનો પાક નાશ પામ્યો છે. ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીનના પાકનો મોટા પાયે નાશ પામ્યો છે. જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આવા સમયે રાજકોટના સરધારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
રાજકોટના સરધાર નજીક અરજણભાઈ મકવાણા નામના ખેડૂતે જિંદગીથી હારીને મોતને વ્હાલું કરી લીધું. જેથી તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. સાથે જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી તેમની સ્થિતિ થઈ ગઈ છે. આ ઘટનાને લઈને જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. સાથે મોટા ભાગના લોકો વિચારમાં મુકાઈ ગયા છે.મૃતકના ભાઈએ કરેલા આક્ષેપ મુજબ ખેડૂત અરજણ ભાઈએ જે પાક વાવ્યો હતો તે નિષ્ફળ ગયો. જેના કારણે તેમને ભારે નુકસાન થયું હતું. બે એકર જમીનમાં તેમણે અલગ અલગ ખેત પાકોનું વાવેતર કર્યું હતું. જાકે પાકમાં નુકસાની થતા તેઓ ચિંતામાં આવી ગયા હતા. સાથે જ તેમની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હતી જેથી કંટાળીને આખરે તેમણે ઝેરી દવા ખાઈને મોતને વ્હાલું કરી લીધું.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે હાલ મૃતક ખેડૂતના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પરિવાર ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેમની સ્થિતિ થઈ ગઈ છે. ઝેરી દવા ખાઈને આપઘાત કરી લેતા જિલ્લામાં અન્ય ખેડૂતોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.