રાજકોટમાં દિલ્હીની યુવતીને લગ્નની લાલચ આપી કેટરર્સ સંચાલક અમિત ભાલોડિયાએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. મારે મારી પત્ની સાથે ભડતું નથી, છુટાછેડા લઈ તારી સાથે લગ્ન કરી લઈશ તેવી લાલચ આપી હતી. પોલીસ ફરિયાદનું કહેતા યુવતી પાસે બળજબરીથી સમાધાન લખાણ કરાવી લીધું હતું. દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ નિલસીટી ક્લબ પાસે રહેતા અમિત સામે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ જુદી જુદી હોટલમાં લઈ જઈ બે વર્ષ સુધી શરીર સુખ માણ્યું હતું.
હાલ રાજકોટના રજપુતપરામાં આરએમસી ચોક પાસે રહેતી અને મૂળ દિલ્હીના હોશિયારસિંગ માર્ગ સદર બજારની ૩૧ વર્ષીય યુવતીએ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત ભગવાનજી ભાલોડીયા (રહે. નીલસીટી ક્લબ, સ્કાય કોન્ડો મિનિયમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે) વિરુદ્ધ ફરિયાદ લખાવતા જણાવ્યું હતું કે, તેણીના અગાઉ લગ્ન બાદ છૂટાછેડા થઈ જતું વર્ષ ૨૦૨૦ માં દિલ્હીથી રાજકોટ ખાતે આવી હતી.
અહીં રાજકોટમાં રહેતા અને કેટરર્સનો ધંધો કરતા રાજેશ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તે રાજેશ સાથે કેટરર્સનું કામ કરવા નોકરીએ લાગી હતી. એકાદ વર્ષ રાજેશ સાથે કામ કરતા સમયે કેટરર્સનું મોટું કામ કરતા અમિત ભાલોડીયાના સંપર્કમાં આવી હતી. અમિત ભાલોડીયા પણ કેટરર્સ સંચાલક હોવાથી તેની સાથે છૂટક કામ કર્યું હતું.
જે પછી રાજેશ સાથે કામ કરવાનું છોડી વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં તેણી કાયમી માટે અમિત સાથે કામ કરવા માટે ગઈ હતી. અમિત સાથે તેણીએ થોડો સમય કામ કર્યા બાદ બંનેની આંખ મળી હતી અને અમિત સાથે સંબંધો ગહેરો થતા બંને નજીક આવી ગયા હતા.
પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. દરમિયાન અમિતે એક દિવસ આ યુવતીને જણાવ્યું હતું કે, તેને તેની પત્ની સાથે હવે ભડતું નથી. છુટાછેડા
લઈ લેવા છે. છૂટાછેડા થશે પછી તારી સાથે લગ્ન કરી લઈશ. આમ અમિતે તે યુવતી સાથે લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો.
કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે. આ યુવતી પણ અમિતના પ્રેમમાં આંધળી બની ગઈ હતી અને પોતાનું સર્વસ્વ અમિતને સોંપી દીધું હતું. અમિત આ યુવતીને લીમડા ચોક પાસે આવેલ રોઝ હોટલ તથા અન્ય જુદી જુદી હોટલોમાં લઈ જઈ શરીર સુખ માણતો હતો. ત્રણ વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ અમિતે આ યુવતી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
આ પછી તા. ૧૮/૯/૨૦૨૪ ના રોજ યુવતીએ લગ્ન કરી લેવાની વાત કરતા અમિતે આનાકાની કરી હતી અને જુદા જુદા બહાના બનાવ્યા હતા. જેથી યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા આ અંગે અમિત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા તૈયારી બતાવતા અને પોતે પોલીસ સમક્ષ જશે તેવું જણાવતા અમિતે બળજબરીથી નોટરી લખાણ કરાવી સમાધાન લખાણમાં બળજબરીથી યુવતીની સહી કરાવી હતી.
હવે જ્યારે પોલીસે અમિત સામે આઇપીસી ૩૭૬ (૨)(એન) ૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કર્યો છે. ત્યારે પીઆઇ કે.એસ. દેસાઈ દ્વારા આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને અમિતની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.