રાજકોટમાં આવાસ યોજનામાં ડ્રોના નામે ડીંડક થયું હોવાનું સામે આવ્યું છે. સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર સોસાયટીમાં મનપાના અધિકારીઓએ બંધબારણે એક આખી વિંગમાં એક જ્ઞાતિ પ્રમાણે ફ્લેટ આપી દીધા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ડ્રો પહેલા જ નક્કી થઈ ગયું હતું કે કોને ક્યો ફ્લેટ આપવો. ગોકુલનગર સોસાયટીનો ડ્રો ચિઠ્ઠી ઉછાળીને થયો હતો. જેમાં એક વિંગમાં એક જ જ્ઞાતિના લોકોને ફ્લેટ ડ્રોમાં લાગ્યા હતા.
એટલું જ નહીં સગા ભાઈઓ, બાપ-દીકરા એક જ ફ્લોર પર અને આજુબાજુના ફ્લેટમાં હતા. એક વિંગ એવી હતી જેમાં માત્ર પરપ્રાંતીય અને અન્ય વર્ણના લોકો હતા. જેને કારણે હાલ ગોકુલનગરમાં જ્ઞાતિઓના વાડા સર્જાયા છે. મ્યુનિસિપલ કમીશનર અમિત અરોરાએ કહ્યું જ્ઞાતિ મુજબ ફાળવણી કરવાની જ ન હોય. જે રીતે ડ્રો થયો હતો તે ક્યા સંજોગોમાં થયો હતો અને આ રીતની ખરેખર મંજૂરી છે કે નહી તેની તપાસ કરાશે.