ડિજિટલ એરેસ્ટનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. રેસકોર્સ નજીક રહેતા નિવૃત્ત કર્મચારી સાથે રૂ. ૧ કરોડથી વધુની ઠગાઈ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ચીટીંગ કરનાર શખ્સોએ વૃદ્ધને “તમારી સામે ગુનો નોંધાયો છે અને ધરપકડ કરવાની છે” તેવી ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. સાથે જ સુપ્રીમ કોર્ટની નકલી નોટિસ પણ મોકલી હતી.
બનાવની મળતી વિગત મુજબ બીપીસીએલના નિવૃત્ત કર્મચારી અÂશ્વનભાઈ માનસિંહ તલાટિયાને ગત ૯ જુલાઇના રોજ તેમના વોટ્સએપ નંબર પર કોલ આવ્યો હતો. હિન્દીમાં વાત કરનાર શખ્સે પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજય પાટીલ તરીકે આપી હતી. તે શખ્સે કહ્યું હતું કે, તમારા વિરુદ્ધ મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં એફઆઇઆર દાખલ થઈ છે.ત્યારબાદ અજય પાટીલ નામના શખ્સે અન્ય એક સિનિયર ઓફિસરની ઓળખ આપનાર વિનય ચોબે નામના શખ્સ સાથે વાત કરાવી હતી. તે શખ્સે કહ્યું હતું કે, “તમારું એરેસ્ટ વોરંટ નીકળ્યું છે, તમને ૨ કલાકમાં સીબીઆઇનો સ્ટાફ એરેસ્ટ કરી લેશે. હવે આ કેસ મારા હાથમાં નથી મારા સિનિયર આકાશ કુલહરી સાથે વાત કરો”.
આ અન્ય વ્યકતીએ કહ્યું કે, “તમે એક એપ્લીકેશન ડાઉનલોડ કરો” તેમ કહી પ્રૌઢના મોબાઇલમાં લિંક મોકલી હતી. સાથે જ જણાવ્યું કે, “આ કેસમાંથી તમારે નીકળવું હોય તો સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડશે” તેમ કહીને સુપ્રીમ કોર્ટના સહી-સિક્કા વાળી નોટિસ મોકલી હતી. વધુમાં કહ્યું કે, “તમારું ફાઇનાન્સ આરબીઆઇ ઓડિટર પાસે ચેક કરાવવું પડશે, જેથી ચોક્કસ બેંક એકાઉન્ટમાં તમારા પૈસા ટ્રાન્સફર કરાવો. તમારું વોરંટ ટેમ્પરરી સ્ટોપ કરાવ્યું છે.” ત્યાં સુધીમાં એપ્લીકેશનમાં મોકલેલા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.
તારીખ ૧૦ જુલાઈથી ૧૯ જુલાઈ એમ નવ દિવસમાં કુલ રૂપિયા ૧,૦૩,૬૭,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા. વૃદ્ધને દર અડધા કલાકે વોટ્સએપમાં મેસેજ કરવા તેમજ રિપોર્ટ કરવા તાકીદ કરવામાં આવી હતી. સાથે જ “તમારી પાછળ સીબીઆઇ તથા મની લોન્ડરિંગવાળા છે, તમારી જાન પર જાખમ છે” તેવી બીક પણ બતાવવામાં આવતી હતી. રેસકોર્સ નજીક રહેતા નિવૃત્ત કર્મચારી સાથે રૂ. ૧ કરોડથી વધુની ઠગાઈ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બેંક એકાઉન્ટ અને વોટ્સએપ નંબર પરથી આરોપીઓની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ અંગેની વધુ તપાસ સાયબર ક્રાઈમ પીઆઇ બી. બી. જાડેજા ચલાવી રહ્યા છે.