રાજકોટ,તા.ર૩
ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની ગ્રોથ અને ઓનલાઇન રજીસ્ટ્રેશન અંગેની કાર્યશાળા રાજકોટમાં યોજાઈ હતી. આ કાર્યશાળા રાજકોટ શહેર જિલ્લા ભારત સંઘના યજમાનપદે ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સવારે ૧૧થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાઈ હતી. આ દરમિયાન દરેક જિલ્લામાં ગ્રોથ કેવી રીતે વધારવો, સ્કાઉટિંગ-ગાઈડિંગ પ્રવૃત્તિઓનો પ્રચાર અને પ્રસાર, સૌરાષ્ટ્ર ઝોન લેવલે તમામ જિલ્લાઓનું સંકલન અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની પ્રવૃત્તિઓને યોગ્ય ન્યાય આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્કાઉટિંગની સાથે આઉટિંગમાં ભાગ લે અને શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓનું સંઘમાં રજીસ્ટ્રેશન વધારવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, ભાવનગર અને અમરેલી એમ કુલ પાંચ જિલ્લાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.