શહેરના જામનગર રોડ પર નાગેશ્વર જૈન મંદિર પાસે આવેલા ખાટુ શ્યામ મંદિરમાં તસ્કરે હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ખાટુ શ્યામ મંદિરની દાનપેટી તોડીને તેમાંથી ૬૫,૦૦૦ની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત અનુસાર ૨૧ નવેમ્બરની મોડી રાત્રે ખાટુ શ્યામ મંદિરમાં રહેલી દાનપેટી કોઈ અજાણ્યા વ્યક્તિએ તોડી હતી. તેમજ દાનપેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતો. જે બાબતની પોલીસ ફરિયાદ મંદિરના પૂજારી દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે ચોરી કરનાર શખ્સ વિવેક ચૌહાણને શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં વિવેક વિરુદ્ધ અગાઉ ૧૬ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં મોટાભાગના ગુના ઘરફોડ ચોરીને લગતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા આરોપી પાસેથી ૧૮૭૦ રૂપિયાની રોકડ પણ કબજે કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિવેક ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે.
ગાંધીગ્રામ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી માહિતી મળી હતી કે, ખાટુ શ્યામ મંદિરમાં ચોરી કરનાર શખ્સ રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આંટાફેરા કરી રહ્યો છે. જે માહિતી મળતાની સાથે ગાંધીગ્રામ પોલીસના ડી સ્ટાફને ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પહોંચીને શકમંદ વિવેક ચૌહાણને રાઉન્ડ અપ કરવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. ત્યારે પોલીસ દ્વારા હાલ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે કે, તેણે અન્ય કોઈ જગ્યાએ રાજકોટ શહેર કે પછી અન્ય કોઈ જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાને હાલમાં જ અંજામ આપ્યો છે કે કેમ?









































