રાજકોટના શાપર-વેરાવળમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મોડી રાત્રે ત્રાટકેલા બુકાનીધારી ધાડપાડુઓએ એક વૃદ્ધને બંધક બનાવીને કરોડો રૂપિયાની સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો છે. લૂંટારુઓ ઘરમાંથી ૨.૪૭ કરોડની રોકડ રકમ અને ૫થી ૭ તોલા સોનું લઈને રફુચક્કર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, આ ઘટના શાપર-વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે આશરે ૧ વાગ્યાની આસપાસ બની હતી. અહીં રહેતા અને ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા જાડેજા પરિવારના ૭૭ વર્ષીય વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા ઘરે એકલા હતા, ત્યારે ૫થી ૭ જેટલા અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ જીતેન્દ્રસિંહને હથિયારના જારે બંધક બનાવી લીધા હતા અને ઘરમાં રાખેલી ૨.૪૭ કરોડની માતબર રોકડ રકમ તેમજ ૫થી ૭ તોલા સોનાના દાગીના લૂંટીને અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટ્યા હતા.
એકસાથે કરોડો રૂપિયાની લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ બેડામાં ભારે હડકંપ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જાતાં રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા અને લૂંટારુઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. એલસીબી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવીને શંકાસ્પદ હિલચાલની તપાસ કરાઈ રહી છે. પોલીસે હાઈ-વે અને જિલ્લાની સરહદો પર નાકાબંધી કરી દીધી છે. હાલ આ મામલે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બુકાનીધારી શખ્સો વિરુદ્ધ લૂંટ અને બંધક બનાવવા અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.