ગત ૨૧મી મે ૨૦૨૫ના રોજ શહેરની બાલાજી હોસ્પિટલમાં બે વર્ષથી આસિસ્ટન્ટ તબીબ તરીકે ફરજ બજાવતી ૨૭ વર્ષીય એન્જલ મોલિયા નામની મહિલા, એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લઈ લેતા બેભાન થઈ ઢળી પડી હતી. ત્યાર બાદ બાલાજી હોસ્પિટલ ખાતે જ તેની સારવાર ચાલી રહી હતી. ત્યારે ચાર દિવસની સારવાર બાદ ૨૪ મે ૨૦૨૫ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
બનાવ સંદર્ભે માહિતી આપતા રાજકોટ એસીપી દક્ષિણ વિભાગ બી.જે. ચૌધરીએ જણાવ્યું કે, આ મામલે હાલ આત્મહત્યાની બીએનએસની કલમ ૧૯૪ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોત રજીસ્ટર્ડ કરવામાં આવ્યું છે. મહિલા તબીબના આત્મહત્યા મામલે તેમના પતિ, તેમના પિતા, તેમના ભાઈ તેમજ તેમના કાકા સહિતનાઓનું નિવેદન લેવામાં આવ્યું છે. હોસ્પિટલ સ્ટાફનું પણ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, બનાવ બાદ ડોક્ટરોની પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવ્યું છે. તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. જાકે મહિલા તબીબ દ્વારા કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તે અંગે હજુ કંઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. સમગ્ર મામલે બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર અંકુર સીણોજીયાનું પણ નિવેદન સામે આવ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટર અંકુર સીણોજીયાએ જણાવવામાં આવ્યું છે કે, હોસ્પિટલ છેલ્લા બે-અઢી વર્ષથી કાર્યરત છે. જ્યારથી હોસ્પિટલ શરૂ થઈ, ત્યારથી આ મહિલા તબીબ એન્જલ અમારી સાથે ફરજ બજાવતા હતા. એન્જલે અંદાજિત ચારેક વર્ષ પૂર્વે પોતાની બી.એચ.એમ.એસ. ની ડીગ્રી મેળવી હતી. એનેસ્થેટિક ડ્રગ્સ તેમણે અમારી હોસ્પિટલમાં રાખવામાં આવતું હોય છે ત્યાંથી જ મેળવ્યું હતું.
અમારી હોસ્પિટલમાં તેઓ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. હોસ્પિટલ સ્ટાફ સાથે પણ મહિલા તબીબનો વ્યવહાર ખૂબ જ સારો હતો. જે કંઈ પણ બનાવ બન્યો છે તે અમારી હોસ્પિટલ માટે પણ ખૂબ જ દુઃખની વાત છે. હોસ્પિટલ દ્વારા પોલીસને તપાસમાં પૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. જાકે કયા કારણોસર મહિલા તબીબે આપઘાત કર્યો છે, તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.નોંધનીય છે કે, મહિલા તબીબના પતિ પણ ડોક્ટર જ છે અને તેઓ રોણકી ગામ ખાતે પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે. બનાવ બાદ મહિલા તબીબના પિયરજનો દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો કે, કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ શંકા દર્શાવવામાં આવી નથી. જાકે મહિલા તબીબે આ પગલું શા માટે ભર્યું એ જાણવા પોલીસ તપાસ ચાલી રહી છે.