ઓલ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસિએશન દ્વારા ખાનગીકરણનાં વિરોધમાં આજે દેશવ્યાપી હડતાળનું એલાન જાહેર કરવામાં આવ્યું હોવાથી રાજકોટ જીવનવિમા નિગમની કચેરીના કર્મચારીઓ દ્વારા આઇપીઓ અને ખાનગીકરણને લઈને આજે સવારે ૧૧.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધી કામગીરીથી અળગા રહીને દેખાવો તથા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જેની સામે દેશભરના તમામ વિમા કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા વિમા નિગમનાં કર્મચારીઓનાં હિતને ધ્યાને રાખવા બદલે ખાનગીકરણની દિશામાં જે પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેના વિરોધમાં દેશવ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી છે.
આ મુદ્દે અગાઉ અનેક વખત કેન્દ્ર સરકારમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં કેન્દ્ર સરકાર જીવન વિમા નિગમનાં કર્મચારીઓના હિતમાં કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી તેથી એલઆઇસીનો આઇપીઓ જાહેર થાય તેજ દિવસે દેશભરનાં વિમાનિગમનાં કર્મચારીઓ દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ મહિલા કોલેજ નજીક આવેલ એલઆઇસી કચેરીના કર્મચારીઓ સવારના ૧૧.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધી કામગીરીથી અળગા રહીને કેન્દ્ર સરકાર સામે દેખાવો સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.’