ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. જગન્નાથ પુરીની સાથે સાથે ભારતભરના અનેક શહેરોમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં, અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા રાજ્યની સૌથી મોટી છે, જ્યારે બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજિત રથયાત્રા આવે છે. રાજકોટમાં પણ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
જાજરમાન રથયાત્રા માટે ભગવાનનો રથ તૈયાર થઈ ગયો છે. ૨૭ જૂને અષાઢી બીજનો ઉત્સવ ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. રાજકોટમાં ૨૨ કિલોમીટર લાંબી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે.
હાલમાં ભગવાન જગન્નાથજીનો રથ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. રાજકોટના નાનામવા ખાતે આવેલા જગન્નાથ મંદિરે વૈદિક પરંપરા મુજબ બુધવારે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.૧૦૮ કળશધારી બાળાઓ વાજતે-ગાજતે નાનામવા ગામના કૂવે પાણી ભરવા માટે આવી હતી. તે પાણી અને કેસર ચંદનથી મંદિરના પટાંગણમાં ભગવાન જગન્નાથજીને સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ જળયાત્રામાં ભક્તો અને સાધુ-સંતો ખૂબ ઉત્સાહ સાથે જાડાયા હતા.હવે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ સુશોભિત કરવામાં આવી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ૨૨ કિલોમીટર લાંબી હશે.