મુંબઈ અને સુરત બાદ સૌરાષ્ટ્રના પાટનગર સમુ રાજકોટ શહેર પણ નશીલા દ્રવ્યોનું હબ બની રહ્યું છે. તાજેતરમાં માલીયાસણ અને જંગલેશ્ર્વરમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયા બાદ ગત રાત્રે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડી શ્રીમાળી વણિક શખ્સને રુ. ૬.૬૯ લાખના નશીલા ડ્રગ્સ એમડી સાથે રંગેહાથ ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચના એસીપી બસીયા અને એસઓજીનાં પીએસઆઈ જે.ડી. ઝાલા સહિતના પોલીસ સ્ટાફને મનહરપ્લોટમાં પાવન એપાર્ટમેન્ટમાં રહેતો યોગેશ હસમુખલાલ બારભાયા નામનો શખ્સ નશીલા ડ્રગ્સ મેફેડ્રોનનો વેપલો કરતો હોવાની બાતમી મળતાં પોલીસે અત્યંત ગુપ્ત ઓપરેશન શરુ કર્યું હતું. શ્રીમાળી વણિક શખ્સને પોલીસના દરોડા અંગે ગંધ ન આવે તે માટે એસઓજીના પોલીસ કાફલાએ સરકારી ઉપરાંત ખાનગી વાહનોમાં જઇને ગત સાંજથી વોચ ગોઠવી હતી.
પોલીસને મળેલી હકીકત મુજબ ગત રાત્રિના ૧૦.૩૫ વાગ્યાના અરસામાં યોગેશ હસમુખલાલ બારભાયા મનહર પ્લોટ શેરી નં. ૨માં આવેલા પાવન એપાર્ટમેન્ટ-૨માં પોતાના ઘર પાસે પહોંચ્યો ત્યારે પોલીસે તેને અટકાવ્યો હતો. એસઓજીના સ્ટાફે શ્રીમાળી વણિક યોગેશ હસમુખલાલ બારભાયાની તલાશી લેતાં તેની પાસેથી એક બેગ મળી આવી હતી. જે બેગની ઝીણવટભરી ચકાસણી કરતાં તેમાંથી એક પ્લાસ્ટીકની કોથળીમાં છુપાવાયેલો સફેદ કલરનો પાઉડર મળી આવ્યો હતો. આ પાઉડર નશીલો પદાર્થ હોવાની પોલીસને શંકા હોય તેની ચકાસણી માટે ફોરેન્સીક અધિકારીઓને સ્થળ પર બોલાવાયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ ફોરેન્સીક અધિકારીઓએ સ્થળ પર પહોંચીને સફેદ કલરના પાઉડરની પ્રાથમિક ચકાસણી કરતાં આ પાઉડર મેફેડ્રોન એટલે કે મ્યાઉ-મ્યાઉ તરીકે ઓળખાતું ડ્રગ્સ એમડી હોવાનું બહાર આવતા પોલીસે યોગેશ હસમુખલાલ બારભાયાનીઅ ટકાયત કરી તેમની પાસેથી રુ. ૬.૬૯ લાખની કિમતનું ૬૬.૯૦ ગ્રામ એમડી સહિત કુલ રુ. ૬.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ડ્રગ્સની માહિતી મળ્યા બાદ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ દરોડો પાડ્યો હતો. નશીલા દ્રવ્યોના કેસને મજબૂત બનાવવા માટે પોલીસે પંચો તરીકે સરકારી કર્મચારીઓને રાખ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ શ્રીમાળી વણિક પૂર્વે અગાઉ રાજકોટમાં રામનાથપરા, માલીયાસણ અને જંગલેશ્ર્વરમાંથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હોય રાજકોટ પણ ડ્રગ્સનું હબ બની રહ્યાનું પ્રતિત થાય છે.
પોલીસે યોગેશની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા તે છેલ્લા ચારેક માસથી મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લાવીને રાજકોટમાં વેચતો હતો. નશીલા દ્રવ્યોના શોખીનો તેનો સંપર્ક કરીને ડ્રગ્સ મેળવતા હોવાની યોગેશે પ્રાથમિક કબૂલાત આપી છે. પરંતુ યોગેશ પોતાના પેડલરો મારફત પણ નશીલા દ્રવ્યોનો વેપલો કરતો હોવાની પોલીસને દ્રઢ શંકા હોય શ્રીમાળી વણિક શખ્સના પેડલરો કોણ-કોણ છે અને તેઓ ક્યા સ્થળોએ ડ્રગ્સનું વેચાણ કરતા હતા એ અંગે તપાસ હાથ ધરવા શ્રીમાળી વણિક શખ્સને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે.