રાજકોટમાં લોધિકા ગ્રામ પંચાયત જમીન કૌભાંડ સંદર્ભે મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિવાદિત મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે. તપાસમાં મહિલા સરપંચે જૂના-નવા ગામતળમાં કુલ ૧૪ પ્લોટ સત્તા બહાર હરાજી કરી હોવાનું બહાર આવ્યું હતું.

લોધિકા ગ્રામ પંચાયત રાજકોટની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાય છે. સરપંચ સુધાબેન વસોયને કલમ નંબર ૫૭(૧) મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતા સોંપો પડી ગયો છે.

પ્રાપ્ત વિગત મુજબ લોધિકા તાલુકાના લોધિકા ગામમાં ૧.૦૪ ગુઠા મંજુર થયેલ નવા ગામતળ લે-આઉટ પ્લાનમાં ૩૦૦ ચો.વાર ક્ષેત્રફળના પ્લોટ નં.૬ પર લોધિકા ગામના સરપંચ સુધાબેન કિશોરભાઈ વસોયાએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા વગર તથા કોઈપણ જાતની પરવાનગી વગર થોરડી રોડ ઉપર આવેલ આ પ્લોટ નં.૬ના સબ પ્લોટીંગ અને દસ્તાવેજ કરી ખુલ્લી હરાજી કર્યા વગર મળતીયાઓને પ્લોટ ફાળવી દીધો હતો.

સરપંચ દ્વારા પ્લોટ નં. ૬/૧ અને પ્લોટ નં.૬/૨નુ તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વેચાણ કરાયું હતું.આ કામગીરી માટે હરરાજીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અને હરરાજીની કાર્યવાહી માટે તાલુકા વિકાસ અધિકારીના અધિકારની ઉપરવટ થઈ મનસ્વી રીતે હરરાજીની અપસેટ પ્રાઈઝ નક્કી કરીને અન્ય કુલ ૧૪ પ્લોટની સંપૂર્ણ હરરાજીની પ્રક્રિયા જાતે જ પૂર્ણ કરી હતી. અને પોતાના મળતીયાઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે દ્વારા લોધિકા ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન કિશોરભાઈ વસોયા સામે કડક કાર્યવાહી કરાઈ છે.