રાજકોટની ફાઈવ સ્ટાર હોટલ સહિત ૧૦ હોટલોને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે. આ મેઈલ રાજકોટની ઈમ્પીરીયલ પેલેસ, સયાજી હોટલ, સીઝન્સ હોટલ, હોટેલ ગ્રાન્ડ રીજન્સી સહિતની પ્રખ્યાત હોટલોને મોકલવામાં આવ્યો છે.
આ ધમકીમાં તે હોટલનો પણ સમાવેશ થાય છે જ્યાં ક્રિકેટરો રોકાય છે. તહેવાર દરમિયાન આવા ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. હાલ રાજકોટ શહેર પોલીસ એક્શનમાં આવી છે અને હોટલોમાં ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઈ-મેલ કોણે મોકલ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ ફલાઈટ્‌સને બોમ્બ મૂકાયાની પોકળ ધમકીઓ અપાવાનો સિલસિલો ચાલુ છે. તેમાં આજે સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ – કંડલા ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કંડલા એરપોર્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે.
મુંબઇ કંડલા સહિત વધુ ૮૫ ફલાઈટ્‌સને આવી ધમકીઓ મળી હતી. આ સાથે છેલ્લા દસ દિવસમાં આ પ્રકારે ૨૫૦થી વધુ ફલાઈટ્‌સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં દેશભરમાં વિમાની સેવાઓ પર માઠી અસર પડી રહી છે.એરલાઈન્સ કંપનીઓ ને મળી રહેલી બામ્બની ધમકીના પગલે વિમાનનાં ઈમરજન્સી લેન્ડીંગ અને ઉતરાણ પછી આઈસોલેટ કરી ચેકિંગને લીધે વિમાની પ્રવાસીઓના કલાકો વેડફાઈ રહ્યા છે અને સમગ્ર સિવિલ એવિયેશન સેક્ટરને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ફલાઈટમાં બોમ્બના ખોટા કોલ કરવાને કોગ્નીઝેબલ ઓફેન્સમાં સમાવાશે તેમ જણાવ્યું છે.