રાજકોટના યુનિવર્સિટી રોડ પર ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. ઋષિકેશ સોસાયટીમાં ચૌલાબેન પટેલ નામના નર્સની હત્યા કરાઈ છે. અત્રે જણાવીએ કે, પડોશી કાનજી વાજા નામના શખ્સે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. સામાન્ય બોલાચાલીમાં આરોપીએ નર્સ પર જીવલેણ હુમલો કર્યો હતો, જે સમગ્ર કેસને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આરોપી કાનજી વાજાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત નર્સનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. બે મહિના પહેલા જ મૃતક નર્સ રાજકોટમાં રહેવા આવ્યા હતા.
રાજકોટમાં નર્સની હત્યાના પડઘાં અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સોએ વિરોધ નોઁધાવ્યો છે. મોટી સંખ્યામાં મહિલા નર્સ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને આરોપીને કડક સજા કરવાની માગ કરી છે. આપને જણાવીએ કે, મૃતક અગાઉ અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. જો કે, વીઆઇપી પેશન્ટના સંબધીની રજૂઆત બાદ નર્સની બદલી કરાઈ હતી. ત્યારે હવે નર્સની જે વ્યક્તિએ ટ્રાન્સફર કરી તેના રાજીનામાની માંગ ઉઠી છે. મહિલા નર્સનો મૃતદેહ રાજકોટથી અમદાવાદ લાવવાની માંગ કરવામાં આવી છે તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ અમદાવાદ રાખવાની તૈયારી પણ દર્શાવી છે.