રાજકોટના ઉદ્યોગપતિ સાથે આઇપીઓ લિસ્ટિંગના નામે કોલકત્તાના કોઠારી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ તેમને મુંબઈમાં મરીન ડ્રાઈવ પર બજાજ ભવનમાં આવેલ ઓફીસમાં મર્ચન્ટ બેંકર્સ તરીકે કામ કરે છે અને સેબીમાં રજીસ્ટર્ડ કમલ કોઠારીએ સારા વળતરની લાલચ આપી ઉદ્યોગપતિ પાસેથી રૂ.૮.૭૫ કરોડ રૂપિયા લઈ બાદમાં કોઈ વળતર ન આપી છેતરપીંડી આચરતા ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે યુનિ. રોડ પર પુષ્કરધામ મંદિર પાસે આલાપ એવન્યુમાં રહેતાં અશોકભાઈ માવજીભાઈ દૂધાગરા (ઉ.વ.૫૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મર્ચન્ટ બેંકર કમલ જવરલાલ કોઠારી (ઉ.વ.૬૦), તેના પુત્ર આનંદ (ઉ.વ.૩૫) અને લિપિકા ભટ્ટાચાર્ય (રહે. ત્રણેય ૧૮-દેશપ્રિય પાર્ક રોડ, સાઉથ કોલકત્તા) નું નામ આપતાં ક્રાઈમ બ્રાન્ચે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને યુનિ. રોડ પર શિવાલીક-રમાં એપેક્ષ કોર્પોરેશન નામની ઓફિસ ધરાવી જેમાં કોટન- ગાંસડી અને કોટન યાર્નના ટ્રેડિંગનું કામ કરે છે. ભાગીદાર તરીકે દિનેશભાઈ માવજીભાઈ મકવાણા છે. અશોકભાઈએ પોલીસને જણાવ્યું કે અગાઉ તેને કાલાવડ તાલુકાના રણુજા રોડ પર એન્જલ ફાયબર લીમીટેડ નામની ફેકટરી હતી. જયાં કોટનના દોરા બનાવવાનું કામ હતું. ફેકટરીની રજીસ્ટડ ઓફિસ શિવાલીક-રમાં જ હતી.
૨૦૧૮માં એન્જલ ફાયબર પ્રા.લી.નો આઈપીઓ લાવવાનો હતો. જેથી સીએ જે.જી. ઉનડકટ મારફત મર્ચન્ટ બેન્કર તરીકે કામ કરતા કમલ કોઠારીનો સંપર્ક થયો હતો. ૨૦૧૮માં તેની કંપનીના આઈપીઓનું બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં લીસ્ટીંગ થયું હતું. તે વખતે આઈપીઓના લીડ મેનેજર તરીકે ગીનીસ સિકયુરીટી લી. (મુંબઈ-કોલકતા)ના માલીક કમલ કોઠારી જે સેબીમાં રજીસ્ટર છે તે હતા. તેની ઓફિસ મુંબઈમાં મરીન ડ્રાઈવ પર બજાજ ભવનમાં હતી.તે વખતે કમલ અને તેના પુત્ર આનંદે તેને જણાવ્યું કે, અમારી કંપની અલગ- અલગ કંપનીના આઈપીઓ લાવવા માટે મર્ચન્ટ બેન્કર્સ તરીકે કામ કરે છે. જેમાં રોકાણ કરવાથી તમને બે વર્ષમાં ખૂબ સારૂ વળતર અપાવશું. થોડા સમય બાદ કમલે તેને કોલ કરી કહ્યું કે, તમારી પાસે હાલ રૂપિયા હોય તો મને આપો, અમારી કંપની હાલમાં જ એક આઈપીઓ લીસ્ટીંગ કરવા જઈ રહી છે, તેમાં સારૂ વળતર મળશે.
જેથી કમલ પર વિશ્ર્વાસ રાખી તેણે જણાવેલ ડીસ્પ્લે કોમર્શિયલ પ્રા. લી. અને પાર્ટન ટ્રેડર્સ લી.ને તેની એપેક્ષ કોર્પોરેશનના બેન્ક એકાઉન્ટમાંથી આરટીજીએસ મારફત કુલ રૂ.૮.૭૫ કરોડ મોકલી આપ્યા હતા. જેની સિકયુરીટી પેટે કમલ અને તેના પુત્ર આનંદના કહેવાથી લિપીકા ભટ્ટાચાર્ય કે જે પાર્ટન ટ્રેડર્સ પ્રા. લી.માં ડાયરેકટર અને ડીસ્પ્લે કોર્મશિયલ પ્રા. લી.નાં ઓથોરાઈઝડ સિગ્નેચરી ધરાવતાં હતા, તેણે રૂ.૩ કરોડના ચેક તેની કંપનીના નામે આપ્યા હતા. ત્યાર પછી તેને વ્હાઈટની મુડીની જરૂરીયાત પડતાં કમલ અને તેના પુત્ર સાથે વાત કરી મૂડી પરત આપવા વિનંતી કરી હતી. તે વખતે કમલે સહમતિ દર્શાવી જણાવ્યું કે, તમે આંગડિયાથી અમને રૂપિયા મોકલો, એ રૂપિયા તમને બેન્કથી પરત કરી આપીશ, તમે આ માટે મારા પુત્ર આનંદના સપર્કમાં રહેજા, જેથી તમારા રૂપિયા વ્હાઈટના થઈ જશે.
પરિણામે તેણે સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી રોકડા રૂપિયા લઈ કોઠારી પિતા-પુત્રોના જણાવ્યા મુજબ મુંબઈ, કોલકતા અને દિલ્હીમાં આંગડીયા મારફત મોકલી આપ્યા હતા. જેના બદલામાં આનંદે તે મુજબના પૈસા તેની એપેક્ષ કોર્પોરેશનના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. આ રીતે તેણે આંગડીયાથી જે રકમ મોકલી હતી તે તેની કંપનીના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ ગઈ હતી. પરંતુ તેણે રોકાણ કરેલા રૂ.૮.૭૫ કરોડ અવાર-નવાર રૂબરૂ અને ફોનથી માંગવા છતાં કોઠારી પિતા-પુત્રો આપતા ન હતા. એટલું જ નહીં ખોટા વાયદાઓ કરી સમય પસાર કરતાં હતા. આખરે તેના કોલ ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જેને કારણે તેણે ડીસ્પ્લે અને પાર્ટન કંપનીઓ બાબતે ખાનગી રીતે તપાસ કરતા જાણવા મળ્યું કે બંને કંપનીઓ કમલના સગા અથવા જાણીતા લિપીકા ભટ્ટાચાર્યના નામે છે.
જેની ઓફિસ કોલકતા ખાતે છે. તેણે રોકેલી રકમ અને તેનું વળતર આજ સુધી મળ્યું ન હતું. સાથો-સાથ કોઠારી પિતા-પુત્રો નવી-નવી તારીખો આપતા હતા. તેને જાણવા મળ્યું હતું કે તેણે જે બે કંપનીમાં રૂ.૮.૭૫ કરોડ જમા કરાવ્યા હતા તે રકમ કમલની કંપનીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. એટલું જ નહીં તેને સિકયુરીટી પેટે આપેલા ચેકોમાં બેલેન્સ પણ ન હતું. જે અંગે તેણે ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી. જેના આધારે આજે ગુનો દાખલ કર્યો હતો.