બે દિવસ પહેલા જ ભરૂચના દહેજમાં ગેસ ગળતરને કારણે ચાર શ્રમિકોના મોત નીપજ્યા હતા. જ્યારે હવે રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઈટના ૯માં માળેથી પટકાતા એક શ્રમિકનું મોત નીપજ્યાની કરુણ ઘટના સામે આવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાજકોટના ૧૫૦ ફૂટ રોડ પર એક જગ્યાએ બાંધકામ ચાલી રહ્યું હતું. જ્યાં કન્સ્ટ્રક્શન સાઈટ પર યુવાન નવમા માળેથી નીચે પટકાયો છે. યુવાન નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં શ્રમિકનું મોત નીપજ્યું છે. ત્યાં કામ કરતા દેવેન્દ્ર ઉર્ફે રાકેશે જણાવ્યું કે, ‘‘હું સૂતો હતો અને મારા ભાઈએ મને ઉઠાડ્યો અને કહ્યું કે, ‘એને પગમાં વાગ્યું છે અને તેને દવાખાનામાં લઈ જવાનો છે.’ જે બાદ ૧૦૮ને ફોન કરીને બોલાવીને અમે તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. દર્દીએ જ અમને કહ્યું કે, ‘હું નવમા માળેથી હું પડ્યો છું. હું ત્યાં એકલો જ હતો અને નીચે પડ્યો છુ. મને દવાખાને લઈ જાવ.’ જેથી અમે ગભરાઈ ગયા હતા એટલે તેને વધારે પૂછ્યું નથી પણ દવાખાને લઈ ગયા.’’
વિશાલકુમાર જાધવ, ‘‘આ અકસ્માતે દુર્ઘટના સર્જાઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રાત્રે બધા સૂતા જ હતા. મને ફોન આવ્યો એટલે હું સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. આ સાઈટનું નામ માધવ હિલ છે. અહીં અમે તમામ પ્રકારની સેફ્ટી વાપરીએ છીએ. આ એક જસ્ટ અકસ્માત છે બીજું કાંઈ નથી.’’