રાજય ચૂંટણી પંચ દ્વારા લોકસભા, વિધાનસભા, ગ્રામ પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થાય એટલે તરત જ રાજકીય પક્ષો સાથે જાડાયેલા કર્મચારીઓ પોતાની વગનો ઉપયોગ કરી ચૂંટણીમાંથી ફરજમુક્તિ અથવા ચૂંટણીમાં રિઝર્વ કર્મચારી તરીકે કામગીરી કરતા હોવાનુ જાણવા મળતા અન્ય કર્મચારીઓમાં આવી નીતિ પ્રત્યે છાનેખૂણે રોષ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં ગઈકાલે જ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે કર્મચારીઓ રાજકીય પક્ષ સાથે જાડાયેલા હોય અથવા તો કોઈ રાજકીય આગેવાન સાથે ઘરોબો ધરાવતા હોય તેવા કર્મચારીઓને ચૂંટણીમાં ફરજ બજાવવા જવુ ન પડે તે માટે પોતાના હોદ્દાનો ગેર ઉપયોગ કરતા હોવાનુ બહાર આવ્યું છે. ચૂંટણીમાં દરેક કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે પરંતુ જે રાજકીય હોદ્દો ધરાવતા હોય તેના પર આગેવાનોના ચાર હાથ રહેતા હોવાથી અન્ય કર્મચારીઓમાં આવી નીતિની ભારે ટીકા થઈ રહી છે.