ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને જમ્મુ અને કાશ્મીર સહિત છ રાજ્યોમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. દરમિયાન, પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નવી માર્ગદર્શિકા પણ જારી કરી છે. ચૂંટણી પંચે ૯ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ આદેશ આપ્યો હતો કે તમામ રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષો, તેમજ ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા સોશિયલ મીડિયા પર પ્રચાર કરતા પહેલા મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી પાસેથી તેમની રાજકીય જાહેરાતોનું પૂર્વ-પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે.ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા પર કોઈપણ રાજકીય જાહેરાત પ્રકાશિત કરતા પહેલા એમસીએમસીની મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. માર્ગદર્શિકા અનુસાર જાહેરાતોની ચકાસણી કરવા અને પૂર્વ-ચકાસણી કરવા માટે દરેક રાજ્ય અને જિલ્લામાં સ્ઝ્રસ્ઝ્ર ની સ્થાપના કરવામાં આવી છે.મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી ‘પેઇડ ન્યૂઝ’ જેવા શંકાસ્પદ કેસોનું પણ નજીકથી નિરીક્ષણ કરશે અને જરૂરી પગલાં લેશે. બધા ચૂંટણી લડનારા ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમના ચકાસાયેલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ વિશેની  માહિતી ચૂંટણી પંચને પ્રદાન કરવાની રહેશે.આ ઉપરાંત, ચૂંટણી ખર્ચની વિગતો શેર કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૭૭(૧) અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયાના ૭૫ દિવસની અંદર સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પ્રચાર પર થયેલા ખર્ચની વિગતો ચૂંટણી પંચને સબમિટ કરવી આવશ્યક છે. આમાં ઇન્ટરનેટ કંપનીઓને ચૂકવણી, જાહેરાત સામગ્રી તૈયાર કરવાનો ખર્ચ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવવાનો ખર્ચ શામેલ હશે.એકંદરે, ડિજિટલ પ્રચાર અને સોશિયલ મીડિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. કમિશનનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રાજકીય પ્રચાર પ્રામાણિક અને નિયમો અનુસાર થાય.