અમરેલીના રાંઢીયાથી લુણીધાર તરફ જતા રસ્તે આવેલ એક વાડીમાંથી ખેડૂતનું ૮૦ મણ લસણ ચોરાઇ જતા અજાણ્યા શખ્સ સામે અમરેલી રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી ચોરને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રાંઢીયા ગામે રહેતા પોપટભાઇ વીરજીભાઇ ઉંધાડે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૬-મેના રોજ રાત્રે એકાદ વાગ્યાથી સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા તેમની રાંઢીયાથી લુણીધાર તરફ જવાના રસ્તે બુટવાળુ નામથી આવેલ ૧૦ વીઘાની વાડીમાં મકાનની ઓસરીમાં પડેલ ૮૦ મણ લસણ ચોરાયું હતું. ઓસરીમાં ચારેય બાજુ જાળી ફિટ કરી તેમાં લસણનો જથ્થો રાખવામાં આવ્યો હતો. દરમિયાનમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા રૂ. ૪૦ હજારની કિંમતનું આ લસણ ચોરી કરવામાં આવ્યું હતું. પોપટભાઇ ઉંધાડની ફરિયાદ પરથી અમરેલી રૂરલ પોલીસે આઇપીસીની કલમ ૩૭૯, ૪પ૭ મુજબનો ગુનો દાખલ કરી આરોપીને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ
કર્યો હતો.