અમરેલી તાલુકાના રાંઢિયા ગામમાં કારમાં ગૂંગળાઈ જવાથી ૪ બાળકનાં મોત થયાં હતા. ખેતર માલિકની વાડીમાં જ પાર્ક થયેલી કારમાં રમતાં રમતાં બાળકો ચાવીથી કારનો દરવાજો ખોલી કારમાં બેસી ગયાં હતાં. ત્યાર બાદ કાર લોક થઈ ગઈ હતી, જેથી ગૂંગળાઇ જવાને કારણે તમામ બાળકોનાં મોત થયાં હતા. માતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરીકામે ગયાં હતાં. એ બાદ આ ઘટના બની હતી. મધ્યપ્રદેશના પરપ્રાંતિય પરિવારનાં ૪ બાળકનાં મોત થયાં જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના રાઢિયા ગામમાં ગત તારીખ ૨ના રોજ મધ્યપ્રદેશના ધાર વિસ્તારના પરપ્રાંતિય પરિવારનાં ૪ બાળકો રમતાં હતાં, જ્યારે માતા -પિતા અન્ય વિસ્તારમાં કામે ગયાં હતાં. બાળકો રમતાં રમતાં ચાવી લઈને કારમાં બેસી ગયાં હતાં. જે બાદ કાર લોક થઈ હતી. જે બાદ બાળકોથી કારના દરવાજા ખૂલ્યા ન હતા. જેના કારણે ગૂંગળાઈ જવાથી તમામ બાળકો મોતને ભેટ્યાં હતાં. જેમાં એક જ પરિવારના ૨ બાળકો અને બે બાળકીનો સમાવેશ થાય છે.

કારમાંથી નીકળવા બાળકોએ ખૂબ સંઘર્ષ કર્યો
બાળકો કારમાં લોક થઈ ગયા બાદ ઓક્સિજનની કમી થવા લાગી હતી. જેથી તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આ બાળકોએ કારમાંથી નીકળવા માટે ખૂબ કોશિશ કરી હતી પરંતુ બહારથી કોઈપણ વ્યક્તિની નજર તેમના પર પડી નહોતી. આ સ્થિતિમાં મદદ ન મળવાના કારણે બાળકોના મોત થયા હતા. ચારેય બાળકોની ઉંમર ૨ થી ૭ વર્ષ વચ્ચે હતી. સાંજે જ્યારે કાર માલિક અને બાળકોના માતા-પિતા પરત ફર્યા ત્યારે ગાડીમાંથી બાળકોના મૃતદેહ મળ્યા હતા.