સાવરકુંડલા વિસ્તારમાં રસોઈ બાબતે નણંદ સાથે બોલાચાલી થતાં તેનું મનમાં લાગી આવવાથી એક પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. પરિણીતાને ગંભીર હાલતમાં પ્રથમ સાવરકુંડલા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજુલા ખસેડવામાં આવી હતી. બનાવની વિગતો મુજબ, ગત તારીખ ૧૦/૧૧/૨૦૨૫ના રોજ સાંજે ભોગ બનનારને રસોઈ બનાવવા બાબતે તેમની નણંદ માયાબેન સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીના કારણે નણંદ રિસાઈ ગયા હતા. આ વાતનું ભોગ બનનારના મનમાં ખૂબ જ લાગી આવ્યું હતું. મનમાં લાગી આવવાના કારણે, બીજા દિવસે એટલે કે તા. ૧૧/૧૧/૨૦૨૫ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યાના અરસામાં ભોગ બનનાર મહિલાએ પોતે ભાગીયું રાખેલ વાડીના ઘરે ઈયળ મારવાની ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ મહિલાની તબિયત લથડતાં, તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ, સાવરકુંડલા ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતાં, વધુ સારવાર અર્થે તેમને રાજુલા ખાતે આવેલી ડા. જે.એમ. વાઘમશી સાહેબની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.










































