એરિસ્ટોટલે કહયું છે કે ‘માનવી સામાજિક પ્રાણી છે.’ સમાજમાં રહે છે એટલે નકારાત્મક અને હકારાત્મક બંને પાસાઓ હોવાના જ. વ્યક્તિનું વર્તન, વાણી, વિચાર, વ્યવહાર સૌજન્યપૂર્ણ હોવો જોઈએ. બીજાને નુકસાન કરે તેવી કોઈ વાત કરવી જોઈએ નહીં. કદાચ ઘણી વખત એવું બને છે કે આપણી વાણી કડવી હોય પરંતુ સત્ય હોય તો તે પ્રમાણે સમયની અનુકૂળતા જોઈ પોતાની વાત સામે વાળા પ્રેક્ષકને કહેવી અનિવાર્ય છે. આજે તો ડાયાબિટીસ થઈ જાય તેવી મીઠી મીઠી વાતો કરીને પોતાની લીટી લાંબી કરવા માટે ધૃણાસ્પદ પ્રવૃત્તિ કરનાર રસિકો બહુ છે. આજે પોલ્સન મારવાનો જમાનો છે. મીઠી મીઠી વાતો કરીને માણસના હૃદયને કોતરવાની કટારી આજના બહુરૂપી માનવીઓએ આ બાબતમાં હસ્તગત કરી લીધી છે. આજે માણસનું બોલવાનું એટલું કર્કશ થઈ ગયું છે કે ના પૂછો વાત. ઘરમાં સાસુ અને વહુ ભારત પાકિસ્તાનની જેમ રહે છે. આવા અનેક પરિવારો છે જેના ઘેર લક્ષ્મી છે પણ શાંતિ નથી. તેનું મૂળ કારણ મૂલ્યશિક્ષણનો અભાવ છે. વ્યક્તિમાં સમજ નથી, વર્તન અને વ્યવહાર એકદમ સૌમ્ય હોવો જોઈએ.
મીઠી વાણી બોલીએ જેનાથી દુઃખી વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય. ઘણી વખતે દર્દી અત્યંત બીમાર હોય તે વખતે ખબર પૂછતી વખતે દર્દી સાથે હકારાત્મક વાત કરવાની જગ્યાએ એવું કહે કે હવે થોડા દિવસમાં જતા રહેશે. એના કરતાં ભાઈ તું તારી વાણી ઉપર સંયમ રાખી અને ઘરે જ રહ્યો હોત તો તે દર્દી કદાચ જીવી જાત. હોસ્પિટલમાં ખબર કાઢવા આવ્યો હતો કે મારવા આવ્યો હતો? ઘણી વખતે કેન્સરના દર્દીઓની ખબર કાઢવા જાય ત્યારે એવું કહે કે કેન્સર એટલે કેન્સલ. કોઈની મનોશક્તિ અને આત્મવિશ્વાસ તોડવા માટે ન જવું જોઈએ. આપણને બધી જ ખબર હોય છે. પરિસ્થિતિ જે છે તેને સ્વીકારી અને હૃદયની ભાવનાને કંટ્રોલમાં રાખી આદર્શ અને રસિક વિચારો વ્યક્ત કરવાની તાતી જરૂરિયાત છે.
આપણો સ્વભાવ બીજાને ગમવો જોઈએ. ગમતાનો કરીએ ગુલાલ.. ગુજરાતી સાહિત્યમાં જેટલો ઊંડો રસ લઈએ તેટલી આત્માની ઉર્મિઓ વ્યાપક બને છે. કટુ શબ્દો બોલતા પહેલા સારા અને નરસાનો ખ્યાલ રાખવો જોઈએ. આજની પેઢી ગામડેથી કોઈ મહેમાન આવે તો દરવાજાથી પાછા કાઢી મૂકે છે. એવું પૂછતા નથી કે આવો, બેસો, પાણી પીવો. તેમની સાથે વાર્તાલાપ કે કશું જ કરી શકતા નથી. તેનું મૂળ કારણ ટૂંકાણવાળા વિચારો અને પારિવારિક સમજણનો અભાવ જોવા મળે છે. દુલાભાયા કાગ કહેતા હતા કે તમારા ઘરે કોઈ આવે તો મીઠો આવકારો આપજો.. ઘરે દુશ્મન આવે ને તેને પણ રસિક પ્રેમ અને આનંદથી આવકારવો જોઈએ.
ગમે તેટલી ડિગ્રીઓ હોય પરંતુ માનવતા નામની યુનિવર્સિટી આપના હૃદયમાં અંકિત ના થયેલી હોય તો તે કાગળ છે. કેળવણીનું મુખ્ય કામ કેળવવાનું છે. હું પોતે એમ.એ.બી.એડ પીએચડી છું પણ મારુ વર્તન સૌજન્યપૂર્ણ અને વ્યવહાર સારો ન હોય તો તે ડિગ્રી શું કામની? વર્ગમાં બાળકોને પણ રસ પડે એવું શિક્ષણ આપવાની ફરજ શિક્ષકોની છે. આજે તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ બેલ વાગવાની રાહ જોવે છે? આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે શિક્ષકે રસાળ શૈલીમાં અધ્યયન કાર્ય કરવું જોઈએ. વર્ગમાં પોઝિટિવ અને રચનાત્મક અને સર્જનાત્મક
પ્રવૃત્તિ કરાવીને વિદ્યાર્થીઓમાં રસ જાગૃત કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરી શકે તે જ સાચો શિક્ષક. શિક્ષક એક એવો દીપક છે જે જીવનમાં અંધારા ઉલેચીને અજવાળું ફેલાવે છે.
ઘણી વખત ઘણા લોકો આપણામાં રસ લેતા નથી. બે ચોપડી પાસ કરીને અધિકારી બનેલા વ્યક્તિઓ ભૂતકાળ ભૂલી જાય છે. શિક્ષકને ઘણા લોકો સામાન્ય સમજતા હોય છે. રાજકારણ, પાપાચાર, દંભ, દ્વેષ અને નીચાપણું બતાવવામાં પારંગત વ્યક્તિઓ ક્યારેય રસિક હોતા જ નથી. તે તો કોબ્રા સાપનો અવતાર હોય છે. શિક્ષક દિને એટલું સુંદર પ્રવચન આપે કે સમાજના નિર્માણ દાતા શિક્ષકો છે અને એ જ શિક્ષકને ઓફિસમાં તતડાવે. સામાન્ય માનવીની સહજ ભૂલ થતી હોય પણ તેની સાથે રસિક શૈલીમાં વર્તણૂક કરી હોત તો પરિસ્થિતિ સારી હોત.
આજે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી માનવીને એકબીજા સાથે પ્રત્યક્ષ કનેક્ટિવિટી રાખવી અઘરી બની ગઈ છે. રજૂઆત કરવાની કલા તો અસરકારક જ હોવી જોઈએ. સામેવાળા વ્યક્તિને આપણી વાત સાંભળવામાં અને તેનું અમલીકરણ કરાવવામાં રસ જાગે તેવી ભાવાત્મક શૈલીમાં રજૂઆત કરવી જોઈએ. ગુજરાતીમાં કહેવત છે પટેલોની જીભ કડવી હોય પરંતુ તે ડાયાબિટીસ ના કરે તે સ્પષ્ટ વાત છે. મીઠી મીઠી વાતો કરીને અંદરથી વેતરી નાખનારા અનેક મહામાણસો છે. વાલ્મિકી ઋષિએ ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમતને સફળતા મેળવવાના આવશ્યક ગુણો ગણાવ્યા છે. તેમાં ચોથો ગુણ રસથી સાંભળવું અને રસથી વર્તન કરવું તે ઉમેરી દેવામાં આવે તો સોનામાં સુગંધ ભરી જાય એવું મારું અંગત માનવું છે. માણસને માણસ તરીકે જોવામાં આવે તે જ સૌથી મોટી કેળવણી છે. આજે હોદ્દાથી અને આવકથી માપવામાં આવે છે. Mo.૯૮૨૫૭૦૨૨૮૨