કોરોનાના સંક્રમણમાં વૃધ્ધિ છતાં નિષ્ણાંતો એવો દાવો કરી રહ્યા છે કે નવો વેરીએન્ટ ન હોવાના કારણે નવી લહેરની ચિંતા કરવા જેવું નથી તેવા સમયે રશિયામાં ઓમિક્રોનનો નવો વેરીએન્ટ જાહેર થયો છે તેને પગલે વિશ્ર્વભરના આરોગ્ય નિષ્ણાંતો એલર્ટ બન્યા છે. રશિયામાં ઓમિક્રોનનો નવો પેટા વેરીએન્ટ મળ્યો છે જે અન્ય વેરિએન્ટની સરખામણીએ ઘણો ચેપી અને ઘાતક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
બીએ.૪ ઓમિક્રોનના અત્યાર સુધી જારી થયેલા સબ વેરિએન્ટની સરખામણીએ વધુ ખતરનાક ગણાવવામાં આવી રહ્યો છે. વિશ્ર્વ આરોગ્ય સંગઠનના વડાએ તાજેતરમાં એવી ચેતવણી આપી જ હતી કે વિશ્ર્વના જે દેશોમાં રસીકરણ ઓછુ છે તેવા દેશોમાં બીએ.૪ અને બીએ.૫ ઝડપથી પ્રસરી રહ્યો છે. બીએ.૨ પણ અનેક દેશોમાં દેખાઈ રહ્યો છે.
ભારતમાં પણ બીએ.૪ સબ વેરિએન્ટના કેસો નોંધાયા જ હતા. જીનોમ સીકવન્સીંગમાં તામીલનાડુ, તેલંગાણા જેવા રાજ્યોમાં બીએ.૪ તથા બીએ.૫ના કેસ નોંધાયા હતા.
દરમિયાન ચીનમાં કેટલાક દિવસોથી કોરોના કાબૂમાં આવી ગયાનું જાહેર થયા બાદ ફરી વખત માથુ ઉંચક્યું હોય તેમ પાટનગર બીજીંગમાં નવા ૧૬૬ કેસો મળ્યા હતા અને તે લોકોના સંપર્કમાં આવેલા ૬૧૫૮ લોકોને કવોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
સમગ્ર ચીનમાં કુલ ૨૭૫ કેસ જાહેર થયા હતા. તેમાં ૧૩૪ કેસ એસીમ્ટોમેટીક હતા. સતાવાળાઓ દ્વારા તમામ લોકોના ત્રણ વખત ટેસ્ટ કરાવવાની સૂચના જાહેર કરવામાં આવી છે. એક બારમાંથી સંક્રમણ ફેલાયાનું જાહેર થયું છે. ૧૬૬માંથી ૧૪૫ લોકો આ બારમાં ગયા હતાં.