યુક્રેનના પૂર્વોત્તર વિસ્તાર ખારકીવમાં રશિયાએ નવેસરથી ભીષણ હુમલો કરતાં હજારો યુક્રેનવાસીઓ વિસ્તાર છોડીને સલામત સ્થાનોએ ભાગી ગયા હતા. રશિયન સેનાએ ટેન્ક, તોપ અને મિસાઇલ વડ્ડે યુક્રેનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલાં સંખ્યાબંધ ગામડાંઓ અને શહેરી વિસ્તારોને નિશાન બનાવ્યા હતા એમ એક લશ્કરી અધિકારીએ કહ્યું હતું.
રશિયન સેનાનો હુમલો એટલો ભીષણ હતો કે ખારકીવમાં તૈનાત યુક્રેનની સેનાના એક યુનિટને તે વિસ્તાર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. રશિયાની સરહદે આવેલા આ વિસ્તારને આમ તો ગ્રે-ઝોન કહેવામાં આવે છે. જેના કારણે અહિંયા લશ્કરી ટુકડીઓની સંખ્યાઓ ખુબ ઓછી હતી જેનો લાભ લઇને રશિયાની સેનાએ ખાર્કિવ વિસ્તારની મોટાભાગની જમીન ઉપર પોતાનો કબ્જા જમાવી દીધો હતો. દરમ્યાન રશિયાના બેલગોરોડ શહેરમાં આવેલી એક દસ માળની
ગગનચુંબી ઇમારત પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઇ ગઇ હતી જેના કારણે અનેક લોકોની જાનહાની થઇ હોવાની ભીતિ સેવાઇ રહી છે. આ ઇમારત ધરાશયી થતાં કેટલાં લોકોના મોત થયાં અને કેટલા લોકોને ઇજા થઇ તે અંગે હજુ રશિયા તરફથી સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરાઇ નથી. યુક્રેનની સેના તરફથી ખુબ મોટી સંખ્યામાં શેલ ઝીંકવામાં આવતા આ ઇમારત જમીનદોસ્ત થઇ ગઇ હતી એમ રશિયાના સત્તાવાળાઓએ કહ્યું હતું. જા કે યુક્રેનના લશ્કરી સત્તાવાળાઓ તરફથી આ અંગે હજુ કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
સેનાએ ગત શુક્રવારથી યુક્રેનની પૂર્વોત્તર બાજુએ આવેલાં ખારકીવ વિસ્તારમાં ભારે હુમલા કરવાના શરૂ કરી દીધા હતા અને છેલ્લાં ત્રણ દિવસમાં આ વિસ્તારમાંથી અંદાજે ૪૦૦૦ લોકોએ પોતાના ઘરો ખાલી કરીને સલામત સ્થળે ખસી ગયા હતા, એમ ખારકીવના ગવર્નર ઓલેહસિનિહુબોવે શોસિયલ મીડિયામાં પોસ્ટ કરેલાં એક નિવેદનમાં કહ્યું હતું. આજે રવિવારની વહેલી સવારથી જ પૂર્વોત્તર બાજુએ ભીષણ જંગ શરૂ થઇ ગયો હતો જેમાં રશિયાના લશ્કરે આ વિસ્તારમાં આવેલાં ૨૭ જેટલાં સેટલમેન્ટ ઉપર સીધો ટેન્ક અને મિસાઇલોથી હુમલો કર્યો હતો.