રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિનના પ્રેસ સચિવ દિમિત્રી પેસ્કોવે આ મુલાકાત અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું, “રશિયન રાષ્ટ્રપતિની ભારત મુલાકાતની તારીખો પર હજુ કામ ચાલી રહ્યું છે.” યુક્રેન સામેના યુદ્ધ પછી પુતિનનો આ પહેલો મોટો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે. અગાઉ પુતિન મંગોલિયા અને ઉત્તર કોરિયાની મુલાકાત લઈ ચુક્યા છે, પરંતુ તેમની આ મુલાકાત માટે ભારત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
રશિયા અને ભારત વચ્ચેના સંબંધો ઐતિહાસિક છે અને આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને, સંરક્ષણ, ઉર્જા અને દ્વિપક્ષીય વેપારના ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ શકે છે. પુતિનની આ મુલાકાત રશિયા અને ભારતના સંબંધો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક સહયોગ વધુ મજબૂત થશે.