રશિયાએ યુક્રેન પર ભયાનક હુમલા કર્યા છે. રશિયાએ આ હુમલાઓમાં ડઝનેક ક્રુઝ મિસાઈલ અને ડ્રોનનો વ્યાપક ઉપયોગ કર્યો છે. રશિયન સૈન્ય યુક્રેનિયન ઊર્જા સ્થાપનોને નિશાન બનાવે છે. યુક્રેનના ઉર્જા મંત્રી હર્મન ³્યુશેન્કોએ પોતાના ફેસબુક પેજ પર આ માહિતી આપી હતી. “દુશ્મનનો આતંક ચાલુ છે,” તેમણે કહ્યું. યુક્રેનની વાયુસેનાએ કહ્યું કે ગત રાત્રે યુક્રેન પર અનેક ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા અને તે પછી ક્રુઝ મિસાઈલ પણ દેશના એરસ્પેસમાં છોડવામાં આવી હતી. વાયુસેનાએ કહ્યું કે રશિયાએ યુક્રેનના પશ્ચિમી વિસ્તારો સામે ‘કિંજાલ’ બેલેસ્ટિક મિસાઈલનો પણ ઉપયોગ કર્યો છે. આ હુમલાઓ બાદ આશંકા વધી છે કે રશિયા શિયાળાની શરૂઆતમાં યુક્રેનની વીજ ઉત્પાદન ક્ષમતાને નષ્ટ કરવાનો હેતુ ધરાવે છે.
દરમિયાન, અત્રે એ પણ જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની વચ્ચે યુક્રેનના ટોચના સૈન્ય કમાન્ડરે કહ્યું છે કે રશિયાના સતત આક્રમણ બાદ પૂર્વી યુક્રેનના મુખ્ય શહેર પોકરોવસ્કની આસપાસ યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. રશિયન દળો હવે શહેરથી થોડાક કિલોમીટર દૂર છે. પોકરોવસ્ક શહેર યુક્રેન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તાજેતરમાં, યુક્રેનના આર્મી ચીફ જનરલ ઓલેક્ઝાન્ડર સિરસ્કીએ ફેસબુક પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કબજે કરી રહેલા રશિયનો તેમના તમામ ઉપલબ્ધ દળોને તૈનાત કરી રહ્યા છે અને અમારા સૈનિકોના સંરક્ષણને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમની સેનાની સંખ્યા ઓછી છે. રશિયન દળો ગ્લાઈડ બોમ્બ વડે યુક્રેનના સંરક્ષણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.