અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને શહેર પોલીસ સતત દિવસ-રાત રેસ્ક્યૂ અને પુનઃસ્થાપન કામગીરીમાં જોડાઈ રહી છે. પહેલું નિવેદન આપતા જોઇન્ટ પોલીસ કમિશનર જયપાલ રાઠોડે વાતચીતમાં જણાવ્યું કે, “પોલીસની ટીમ દુર્ઘટનાના દિવસે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કામગીરીમાં સક્રિય થઈ ગઈ હતી.”
તેમણે ઉમેર્યું કે, “ડીએનએ સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી દુર્ઘટના ઘટતાં જ શરૂ કરી દીધી હતી.” નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.વી. ગોહિલ છેલ્લા ૬ દિવસથી ઘરે ગયા જ નથી અને તેઓ સતત સિવિલ હોસ્પિટલમાં રહીને મૃતદેહોની ઓળખની પ્રક્રિયામાં જોડાયેલા છે.
જોઈન્ટ કમિશનર રાઠોડે જણાવ્યું કે, “પીડિત પરિવારોને કોઈ અડચણ ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.” અત્યાર સુધીમાં ૮૦ મૃતકોના શરીર પરથી સોનાના દાગીના મળ્યા છે, જેમાંથી ૫૦ મૃતક પરિવારજનોને આ દાગીના સોંપી દેવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓ દ્વારા મૃતકના પરિવારોને ધીરજ આપતા જણાવાયું કે, “ડીએનએ મેળાપ થતાં જ મૃતદેહ અને દાગીનાઓ સોંપવામાં આવશે અને કોઇ પણ પ્રશ્ન માટે અધિકારીઓ પોતાનો મોબાઈલ નંબર આપીને સંપર્કમાં રહે છે.”
શહેર પોલીસના વિવિધ અધિકારીઓ સતત ફરજ પર છે. જેમાં પીઆઈ પી.વી. ગોહિલ (નરોડા), આર.એમ. પરમાર (વટવા જીઆઇડીસી), ડી.પી. ઉનડકર (મણિનગર), પી.સી. દેસાઈ (નારોલ), જે.ડી. ઝાલા (શાહીબાગ), ડી.બી.બસિયા (મેઘાણીનગર), ડીસીપી પ્રદીપસિંહ જાડેજા , કુણાલ દેસાઈ , ઝોન ૪ ડીસીપી કાનન દેસાઈ.
અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ટીમો બનાવીને કામગીરી હાથ ધરાઈ છે જેમાં ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, સીપી જી.એસ. મલિક અને જેસીપી નીરજ બડગુજર પણ સંપૂર્ણ દેખરેખ રાખી રહ્યા છે. પાસપોર્ટ ,બેગ સહિતનો મુદામાલ વેરીફીકેશન કરી પરિવારના લોકોને પરત કરવાની કામગીરી પણ કરવામાં આવશે.
આ દુર્ઘટનાની પોલીસ તપાસ દરમિયાન એકમાત્ર બચી ગયેલા મુસાફર રમેશ વિશ્વાસકુમારનો પણ પોલીસ દ્વારા નિવેદન લઈ પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોલીસની માનવતાપૂર્ણ અને વ્યવસ્થિત કામગીરી રાજ્ય માટે ઉદાહરણરૂપ બની છે.