ભારતનાં દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પહેલા વિરાટ કોહલીને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે રોહિત શર્મા પાસે મર્યાદિત ઓવરનાં બન્ને ફોર્મેટની કમાન છે. વિરાટ
કોહલીને વનડેની કેપ્ટનશીપથી અચાનક હટાવવાને લઈને ઘણો વિવાદ થયો છે. છેલ્લા ઘણા સમયથી વિરાટ અને રોહિત વચ્ચે અણબનાવની ખબરો આવી રહી છે. આવી સ્થિતિમાં બીસીસીઆઇનું આ પગલુ એક મોટો સંકેત આપી રહ્યું છે. આ મામલે આખરે રમત મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વનડે ટીમની કેપ્ટનશીપને લઈને ચાલી રહેલો વિવાદ સતત વધી રહ્યો છે. બન્ને ખેલાડીઓ વચ્ચે અણબનાવ હોવાની અટકળો પર રમત મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આડકતરી રીતે વિરાટને ચેતવણી આપતા કહ્યું કે, “રમતથી મોટું કોઈ નથી. કોઈ ખેલાડીની વચ્ચે શું ચાલી રહ્યું છે તે અંગે હું કોઈ માહિતી આપી શકતો નથી. તેમની સાથે સંબંધિત એસોસિએશન અથવા સંસ્થાની જવાબદારી છે. તે યોગ્ય રહેશે કે તેણે આ અંગે માહિતી આપવી જાઈએ.
આ બાબતે ઈનસાઈડ સ્પોર્ટને આપેલા ઈન્ટરવ્યુમાં બીસીસીઆઇનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, “વિરાટે આને હળવાશથી લીધું નથી. તેણે પરિવાર સાથે સમય પસાર કરવા માટે વનડે સીરીઝમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે, પરંતુ કોઈ અભણ નથી. જે કંઈ થઈ રહ્યું છે તે બિલકુલ સ્વીકાર્ય નથી.
બીસીસીઆઇએ રોહિતને વનડે કેપ્ટન બનાવ્યો અને તેના એક દિવસ પછી બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી કે વિરાટ સાથે આ અંગે વાત કરવામાં આવી હતી. સફેદ બોલની ક્રિકેટમાં બે કેપ્ટન હોઈ શકતા નથી, તેથી ટી ૨૦ ટીમ બાદ રોહિતને વનડે ટીમની પણ કેપ્ટનશીપ આપવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે, “દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ બાદ અમે બન્ને કેપ્ટન સાથે બેસીને આગળનો માર્ગ નક્કી કરીશું. વિરાટને વનડે ટીમમાંથી હટાવવાનું કામ ટીમનાં ભલા માટે કરવામાં આવ્યું છે અને વિરાટે આના પર આવા સ્વાર્થ સાથે પ્રતિક્રિયા ન કરવી જાઈએ. તેણે ટીમમાં ઘણું યોગદાન આપ્યું છે અને ટીમને હંમેશા આગળ રાખી છે. જે પણ થઈ રહ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.