અમરેલી જિલ્લામાં દેશી દારૂના સપ્લાયનો વીડિયો જાહેર થયા બાદ પોલીસ સતર્ક બની છે. ગત રાત્રીના વંડા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ ભરેલુ ટેન્કર પસાર થયા બાદ અમરેલી એલસીબી અને વંડા પોલીસે ટેન્કરનો પીછો કરતા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રબારીકા ગામની વાડી વિસ્તારમાં દારૂનું કટીંગ થાય તે પહેલા જ ૬૧૩ પેટી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. આ દારૂ પ્રકરણમાં બે શખ્સોના નામ ખુલતા પોલીસે બે શખ્સોને ઝડપવા કવાયત હાથ ધરી છે. અમરેલી એલસીબી અને વંડા પોલીસને બાતમી મળી હતી કે દારૂ ભરેલુ ટેન્કર પસાર થવાનુ છે, જેથી પોલીસ સતર્ક બની હતી. ટેન્કર પસાર થયા બાદ ટેન્કર જે રસ્તે ગયુ તેની પાછળ પોલીસ પહોંચી હતી. જયાં એક ગોડાઉન પાસે પોલીસને દારૂની પેટીઓ ભરેલુ ટેન્કર મળી આવ્યું હતું અને અમુક પેટીઓ નીચે પડેલી હતી. પોલીસે તપાસ કરતા ત્યાં કોઈ ઈસમ હાજર મળી આવ્યા નહોતા.
આ દારૂનો મુદ્દામાલ અને ગોડાઉન ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રબારીકા વાડી વિસ્તારમાં આવતો હોવાથી અમરેલી પોલીસે તાત્કાલિક જેસર પોલીસને જાણ કરી હતી. અને તમામ મુદ્દામાલ જેસર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
જેસર પોલીસે આ અંગે માહિતી આપી હતી કે, કુલ ૬૧૩ પેટીમાં અંદાજે ૮૦૦૦ કરતા વધારે વિદેશી દારૂની બોટલો મળી આવી છે. ટેન્કર નં.જી.જે.૧ર-ડીવી-ર૦પ૬માં વિદેશી દારૂની પેટીઓ હોવાથી જેસર પોલીસે વિદેશી દારૂની કિં.રૂ.૩૧,૮૧,ર૦૦ સહિત કુલ રૂ.પર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં આ દારૂ શિવરાજ ઉર્ફે મુન્ના રબારીકાવાળા અને સુરેશ ભીખાભાઈ જેબલીયાએ મંગાવ્યો હોવાનું ખુલ્યુ હતું. હાલ આ બંને શખ્સો ફરાર હોવાથી પોલીસે બંને શખ્સોને ઝડપવા કવાયત હાથ ધરી છે.

દારૂ કયાંથી આવ્યો તે તપાસનો વિષય
કચ્છના પાસીંગવાળા ટેન્કરમાં ૬૧૩ પેટી વિદેશી દારૂ સ્વાભાવિક છે કે, ગુજરાત બહારથી લાવવામાં આવ્યો હોય ત્યારે આ દારૂ રાજયના અનેક જિલ્લામાંથી પસાર થયો હોય પરંતુ બેરોકટોક ટેન્કર છેક રબારીકા વાડી વિસ્તાર સુધી પહોંચી ગયુ. જા અમરેલી એલસીબી અને વંડા પોલીસ સંતર્ક ન હોત તો આ દારૂનું કટીંગ થઈ અનેક તાલુકાઓમાં સપ્લાય થઈ જવાની તૈયારીમાં હતો.

બિનવારસી હાલતમાં ટેન્કર મળ્યુ
અમરેલી એલસીબી અને વંડા પોલીસે ટેન્કરનો પીછો કરી રબારીકા વાડી વિસ્તારમાં પહોંચ્યા બાદ ત્યાં કોઈ શખ્સો હાજર નહોતા. રેકી કરનારા શખ્સોએ ફોન મારફતે પોલીસ આવી હોવાની જાણ કરી દીધી હોવાથી દારૂ ઉતારનારા શખ્સો નાસી ગયા હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.