સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના રબારીકા(તા.જેસર) ગામે છેલ્લા ઘણા સમયથી ગામની આવશ્યક સુવિધાઓ અંગે ગત લોકસભા ચૂંટણીના મતદાનના દિવસે ગામ લોકો દ્વારા સક્ષમ અધિકારી તથા મીડિયા સમક્ષ આક્રોશ વ્યકત કરેલ જે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રબારીકા ગામના પ્રશ્ન અંગે ધારાસભ્ય મહેશભાઇ કસવાલા સાથે
વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેના અનુસંધાને
જાગૃત ધારાસભ્ય દ્વારા આચારસંહિતા પૂર્ણ થતા તરત જ રબારીકા ગામના પ્રશ્નો અંગે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. આ લોકદરબારમાં પ્રાંત અધિકારી મહુવા, મામલતદાર /તાલુકા વિકાસ અધિકારી જેસર તથા સંબંધિત વિભાગના અધિકારીઓને હાજર રાખી તા.૧૯-૦૬-૨૦૨૪ના રોજ લોકદરબાર યોજવામાં આવેલ હતો. આ લોકદરબારમાં ગામ લોકો તથા સરપંચ હર્ષરાજભાઇ શિવરાજભાઇ વિંછીયા દ્વારા ગામના ખરાબ રોડ રસ્તા, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય જેવા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સંબંધિત વિભાગોને તાત્કાલીક રબારીકા ગામના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.