કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંઘે તોમરે સ્પષ્ટતા કરી હતી કે, કેન્દ્ર સરકાર રદ કરેલા ત્રણ કૃષિ કાયદાને પરત લાવવાની કોઈ યોજના ધરાવતી નથી. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ‘સસ્તા રાજકારણ’ રમવાનો આક્ષેપ કર્યો હતો અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ ઝાટકણી કાઢી હતી. સરકાર આગામી વિધાનસભા ચૂંટણી પછી કૃષિ કાયદા પરત લાવવાની યોજના ધરાવે છે એવા કોંગ્રેસના આરોપના બીજા દિવસે તોમરે આ નિવેદન કર્યું હતું.

અગાઉ તોમરે નાગપુર ખાતે કૃષિ કાયદા અંગે જણાવ્યું હતું કે, ‘અમે એક ડગલું પાછળ લીધું છે, ફરી આગળ વધીશું.’ તેમના આ નિવેદનને પગલે કોંગ્રેસે તોમર પર કૃષિ કાયદા પરત લાવવાની યોજના હોવાનો આરોપ મૂક્યો હતો.

કોંગ્રેસના આરોપો અંગે પુછાતા તોમરે મોરેના ખાતે જણાવ્યું હતું કે, ‘કૃષિ સુધારા કાયદાને પરત લાવવાનો સરકાર કોઈ પ્રસ્તાવ ધરાવતી નથી. રાહુલ ગાંધી જેવા લોકો સસ્તું રાજકારણ કરે છે. આવા લોકોએ મારા નિવેદનને ખોટી રીતે ટાંકી દેશને ગેરમાર્ગે દોર્યો છે.’ તોમરે કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર કૃષિ સુધારા માટે કાયદા લાવી હતી, પણ કેટલાક લોકોને તે પસંદ પડ્યા નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સ્વતંત્રતાના ૭૦ વર્ષ પછીના આ સૌથી મોટા સુધારા હતા. જાકે, સરકાર નિરાશ થઈ નથી. અમે એક ડગલું પાછળ હટ્યા છીએ, પણ અમે ફરી આગળ વધીશું. કારણ કે ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે.’ કૃષિ મંત્રીના નિવેદન પછી રાહુલ ગાંધી ટ્વિટ કર્યું હતું કે, ‘દેશના કૃષિ મંત્રીએ વડાપ્રધાન મોદીની માફીનું અપમાન કર્યું છે. ફરી ખેડૂત વિરોધી પગલાં લેવાશે તો અન્નાદાતાઓ સત્યાગ્રહ કરશે. એક વખત અમે અહંકારને પરાજિત કર્યો છે, ફરી કરીશું.’