અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓએ જોર પકડ્યું છે. જગન્નાથ મંદિર પરિસરમાં સફાઈ, શણગાર અને રથોના રંગરોગાનનું કામ થઈ છે. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથોને નવું રૂપ આપવા માટે વિવિધ ટીમો કામે લાગી છે.આ વર્ષે નવનિર્મિત રથોનું બીજું વર્ષ હોવાથી, રથોની સફાઈ અને સ્પ્રેકલર દ્વારા રંગરોગાનની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત, રથયાત્રા દરમિયાન કોઈ ખામી ન સર્જાય તે માટે જરૂરી સમારકામનું કામ પણ કરાયું છે. જો કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૭૮ લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ વર્ષે યોજાનારી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી શક્યતો છે.

આ બધા વચ્ચે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રથયાત્રા સાદગીથી કે ઝાંખીઓ સાથે નીકળશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તેમણે કહ્યું, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે એક મોટી દુર્ઘટના ઘટી છે. હાલમાં રથ યાત્રા મુદ્દે સરકાર સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. હાલમાં સરકાર અને તંત્ર પણ વ્યસ્ત છે. એટલે જયારે આ અંગે કોઈ નિર્ણય લેવાશે ત્યારે અમે આપ સૌને જણાવીશું. એટલે એ રીતે જે નિર્ણય લેવામાં આવશે એ રીતે આ વર્ષે રથયાત્રા નીકળશે. મંદિરની પરંપરા પ્રમાણે મંદિર દ્વારા તો બધી જ તૈયારીઓ ચાલી રહી છે. પણ નિર્ણય જયારે આવશે ત્યારે જણાવવામાં આવશે.

રથયાત્રાને સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તે અંગે રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવાઈ શકે છે. જો કે, આ મુદ્દે કોઈ જાહેરાત કરાઈ નથી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા નીકળવાને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો કે, સાદગી પૂર્ણ યોજાય તો કદાચ ટેબ્લોનું પણ આયોજન ન પણ હોઈ શકે. તો બીજી તરફ નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.