મુંબઈમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના નવા ઘરના બાંધકામનું કામ ચાલી રહ્યું છે. લગ્ન બાદ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ ઘરમાં રહેવાના છે. આલિયા અને રણબીર નવા ઘરના કામકાજની નાનામાં નાની વિગત પર ધ્યાન આપી રહ્યા છે. રણબીર કપૂરના મમ્મી અને એક્ટ્રેસ નીતૂ કપૂર પણ ઘણીવાર આલિયા અને રણબીર સાથે નિર્માણાધિન ઘરની મુલાકાત લેતાં જોવા મળે છે. આલિયા અને રણબીરના આ ઘર વિશે મહત્વની વિગત સામે આવી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ બહુમાળી મકાનમાં ઋષિ કપૂરને ખાસ રીતે સ્થાન આપવામાં આવશે. આ નવા ઘરમાં એક રૂમ સ્વર્ગીય ઋષિ કપૂરને સમર્પિત કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ રૂમમાં ઋષિ કપૂરની તમામ યાદો, તેમની મનપસંદ ખુરશી માંડીને તેમના બુકશેલ્ફ અને તેમને ગમતી દરેક વસ્તુ મૂકવામાં આવશે. રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, રણબીર અને આલિયાએ પોતાના સપનાનું ઘર બનાવા માટે તેની ડિઝાઈનિંગમાં પણ ખાસ ધ્યાન આપ્યું છે. નીતૂ કપૂર પણ સલાહ-સૂચનો આપી રહ્યાં છે. પરિવારની પરંપરાઓને આ નવા ઘરમાં સ્થાન આપી શકાય અને તેમના જૂના ઘર ‘ક્રિષ્ના રાજ’ બંગલોની યાદો જળવાઈ રહે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર ઋષિ કપૂરનું એપ્રિલ ૨૦૨૦માં કેન્સરના કારણે નિધન થયું હતું. થોડા દિવસ પહેલા જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષના ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે તેવી ચર્ચા હતી. બાદમાં અહેવાલો આવ્યા કે કપલ એપ્રિલ ૨૦૨૨માં લગ્ન કરશે. જોકે, હજી સુધી ભટ્ટ કે કપૂર પરિવાર તરફથી લગ્ન કે તેની તારીખ અંગેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત ડિમ્પલ કપાડિયા, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કિનેની અને મૌની રોય પણ મહત્વના રોલમાં છે.