“યોગ” એટલે સમત્વ અને કર્મમાં કુશળતા
મોટાભાગે આપણે યોગ શબ્દ સાંભળીને એવું સમજીએ છીએ કે યોગ એટલે આસનો સાથે ધ્યાનમાં બેસવું.પરંતુ યોગનો અર્થ અનેક વિદ્વાનોએ પોત પોતાની રીતે અલગ અલગ કરેલ છે. યોગ જીવન વ્યવહારમાં વણાઈ ના જાય અને તેનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં ના થાય તો સામન્ય માણસ માટે યોગનો કશો અર્થ રહેતો નથી. ભગવત ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને યોગશાસ્ત્ર સમજાવેલ પછી જ અર્જુન યુદ્ધરૂપી કર્મ કરવા તૈયાર થાય છે. યોગઃકર્મસુ કૌશલ્યમ્‌.. એટલે કે કર્મમાં કુશળતા એ જ યોગ. દરેક માણસ એના જીવનની એક એક ક્ષણે થતાં પ્રત્યેક કાર્ય કુશળતાપૂર્વક કરી શકે તો જ એણે યોગ સાધના કરી કહેવાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગનો અર્થ એના ભાષણોમાં સમજાવે કે સાધુ સન્યાસીઓ જંગલમાં જઈ એકલા બેસીને યોગસાધના કરી શકે એવું અર્થઘટન યોગનું થતું હોય તો આપણા જેવા સર્વ સામાન્ય માણસ માટે યોગનો અર્થ કંઈ કામનો નથી. મંત્રી
કે સંત્રી, શેઠ અને નોકર, વેપારી કે ખેડૂત, અધિકારી અને કર્મચારી, માલિક અને મજૂર, કલેકટર કે કારકુન, વકીલ, ડોક્ટર, શિક્ષક, ઇજનેર, કારીગર કે કર્મચારી, પુરુષ અને સ્ત્રી, બાળક કે બુઝુર્ગ દરેક વયના અને દરેક વ્યવસાયના અને દરેક સ્તરના તમામ લોકો પોત-પોતાના જીવનમાં દરેકે દરેક ક્ષણે એટલે કે ખાતા-પીતા, ઉઠતા-બેસતા, નહાતા-ધોતા, નોકરી ધંધો કે વેપાર કરતા કરતા, સતત ચોવીસ કલાક પોત-પોતાના કર્મ કુશળતાપૂર્વક કરી શકે, પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે અને પોત-પોતાના કામથી પૂરેપૂરા સંતુષ્ટ બની શકે એવો જીવન ઉપયોગી યોગનો વ્યવહારિક અર્થ સમજવો જોઈએ અને જીવનમાં ઉતારવો જોઈએ. ઘણા લોકો તો યોગનું નામ પડતાં જ ભડકે છે. કેમ કે તેઓ યોગનો અર્થ જુદો સમજતા હોય છે. તેમના મતે પલાંઠી વાળીને આંખો બંધ કરીને બેસવા માટે નોકરી ધંધાની વ્યસ્તતાને કારણે એની પાસે ફુરસદ કે ટાઇમ હોતા નથી. એક સામાન્ય માણસની રૂટિન જિંદગી જોઈએ તો સવારમાં ઉઠે ત્યાં બૈરા છોકરા સાજા માંદા હોય તેમને દવાખાને લઈ જવા લાવવા, રેશનીંગની દુકાને લાઈનમાં ઊભા રહેવું, નોકરી ધંધાના સ્થળે પહોંચવું, વ્યવહાર સાચવવો, સગા-વ્હાલાની આવન-જાવન, બાળકોની સ્કૂલ વગેરે અનેક જાતની ઉપાધિઓ વચ્ચે યોગમાં બેસવા માટે સમય ક્યારે કાઢવો ? કેમ કે, યોગનો આવો અર્થ કથા-વાર્તામાં સાંભળ્યા મુજબ વહેલી સવારે જાગીને આસન પર નાક દબાવીને આંખો બંધ કરીને કલાક સુધી બેસવું એ જ યોગ કહેવાય. આવી માન્યતાના લીધે લોકો યોગ નામથી ભડકે છે. આમ યોગની અઘરી વ્યાખ્યાઓ, ક્રિયાઓ વગેરેએ સામાન્ય માણસ માટે યોગને દૂર રાખ્યો છે. હકીકતમાં કોઈ ગૂઢ જ્ઞાન કે નીતિ નિયમોમાં પડ્‌યા સિવાય નિષ્કામ ભાવે નિયતિથી પોતાનું પ્રત્યેક કર્મ કુશળતાપૂર્વક કરવું એ જ સાચો યોગ ગણાય છે. દરેક ધંધાદારી વ્યક્તિ અને પ્રજાના સેવકો પોત-પોતાની ફરજ રસપૂર્વક પૂરેપૂરી પ્રમાણિકતાથી બજાવે એટલે તે સાચા કર્મયોગી ગણાય છે. વિદ્યાર્થી બહાર રખડવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપે, બરાબર લખે વાંચે એટલે એણે યોગ કર્યો કહેવાય. ચિત
વૃત્તિની એકાગ્રતા એટલે યોગ. માત્ર આંખો બંધ રાખીને કોઈ કર્મ કર્યા વિના બેસી રહેવું એ જ સાચો યોગ નથી. તમારા રોજબરોજના કામમાં ચિત એકાગ્ર થઈને જે કામ ગુણવત્તાવાળું થાય તે પેલા કરતા ચડિયાતો યોગ છે. ‘કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ હરિનું નામ’ પંક્તિની જેમ આપણી પ્રત્યેક ક્રિયા કે કર્મ મનથી, રાજીખુશીથી કરતા જઈએ એટલે આપોઆપ યોગ થયો કહેવાય અને આવા યોગની શરૂઆત અત્યારથી અને આજથી જ કરી દેવી જોઈએ. બાકી નિવૃત્ત થઈશું કે નવરા પડશું કે ઘરડા થઈશું પછી યોગ કરીશું એવી માન્યતા સાથે જીવીશું તો ક્યારેય યોગ નહિ થાય. ગીતાનો યોગ સામાન્યમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં દરેક ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતાના સાતસોએ સાતસો શ્લોક માત્ર મોઢે કરવાનો કશો જ અર્થ નથી. યોગના ત્રણેય પ્રકારો એટલે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનું આપ સૌનાં જીવનમાં વ્યવહારિક ઉપયોગી સાચું આચરણ સફળ થાય એવી શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ………..!!!