ઉત્તર પ્રદેશ સરકારમાં અલ્પસંખ્યક મંત્રી મોહસિન રજોએ કહ્યું હતું કે, તેઓ મુસ્લિમ સમાજમાંથી આવે છે પરંતુ તેમના કરતાં મોટું હિંદુત્વવાદી કોઈ નથી. એક ખાનગી કાર્યક્રમ માટે ઉન્નાવ પહોંચેલા મોહસિન રજોએ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા હિંદુ અને હિંદુત્વવાદી શબ્દો પર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, ‘મોહસિન રજો હિંદુત્વવાદી છે, હિંદુસ્તાનમાં રહે છે, હિંદુત્વવાદી છે.’ તેમણે કહ્યું કે, એ જ હિંદુત્વવાદી હશે જે હિંદુ સંસ્કૃતિમાં જીવ્યો હશે, હિંદુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને માનતો હશે, હું મુસ્લિમ સમાજમાંથી આવું છું, મારાથી મોટું હિંદુત્વવાદી કોઈ નથી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી પોતાની તમામ રેલીઓમાં હિંદુ અને હિંદુત્વવાદીનો તફાવત સમજોવી રહ્યા છે. રાહુલે શનિવારે અમેઠી ખાતે કહ્યું હતું કે, હિંદુ સત્ય માટે લડે છે જ્યારે હિંદુત્વવાદી નફરત ફેલાવે છે. તેમણે મહાત્મા ગાંધીને હિંદુ અને નાથૂરામ ગોડસેને હિંદુત્વવાદી કહ્યા હતા. મોહસિન રજોએ તેમના આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે.
મોહસિન રજોએ જણાવ્યું કે, જો આપણે સર્વ સમાજને લઈને ચાલવું છે તો આપણે હિંદુત્વવાદી બનવું જોઈએ કારણ કે, હિંદુત્વવાદી એ જ હશે જે હિંદુ સંસ્કૃતિમાં જીવ્યો હશે. હિંદુ સંસ્કૃતિ અને હવે સનાતન સંસ્કૃતિને માનતો હશે. મોહસિન રજોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને એ જ નથી ખબર કે, આપણી સંસ્કૃતિ હિંદુ છે. એક-એક વ્યક્તિ જે આ સંસ્કૃતિમાં જીવી રહી છે તે હિંદુત્વવાદી જ હશે.
વધુમાં રજોએ જણાવ્યું કે, તમે અપરાધીઓ સાથે રહો છો, આતંકવાદીઓ સાથે રહો છો, આતંકવાદી વિચારસરણી ધરાવતા લોકો સાથે રહો છો તો તમારા વિચારો અલગ હોઈ શકે છે. આ કારણે તમને હિંદુત્વવાદી લોકો પસંદ નથી પરંતુ આતંકવાદી પસંદ છે.