શહેર હોય કે ગામ, હવે યુવાન થતી જતી દીકરીનો ઉછેર પહેલાના જમાના જેવો આસાન રહ્યો નથી. કારણ કે જ્યાં સુધી દીકરીમાં વૈચારિક સમજણ વિપુલ રીતે કેળવાય નહીં ત્યાં સુધી માતાપિતાએ એનું શિર છત્ર બની રહેવું પડે છે. ક્યારેક દીકરીઓને પોતાને પણ એમ લાગે છે કે એમને આપવામાં આવતી સ્વતંત્રતા ઘણી ઓછી છે. પરંતુ હકીકત એ છે કે દરેક માતા-પિતા પોતાની પુત્રીને સ્વતંત્ર વિચારશક્તિ આપવા જાય છે, પરંતુ એમ તો ઇચ્છાથી એ વિચાર શક્તિ કોઈ પણ સંતાનોમાં આવી જતી નથી. જયાં સુધી યોગ્ય અને અયોગ્યની સ્વતંત્ર વિચારશક્તિ દીકરીમાં ન આવે ત્યાં સુધી માતા-પિતાનું વર્તન એવું જ રહેવાનું. જે ક્યારેક દીકરીઓને અકળાવી પણ મૂકે. એનું કારણ એક જ છે કે દરેક માતા-પિતાને પોતાની દીકરી પર ભરપૂર વિશ્વાસ છે, પરંતુ આ જમાના પર તેમને વિશ્વાસ નથી. આ એક જ કારણસર તેઓ નિંરાતે ઊંઘી શકતા નથી.
માતા-પિતાની એક મર્યાદા એ છે કે તેઓ કંઈ દીકરીના ચોકીદાર નથી. એમની જવાબદારી મુખ્યત્વે દીકરીમાં સંસ્કારોનું સિંચન કરવાની છે. પરંતુ સંસ્કારોનો અર્થ બંધન થઈ જાય નહિ તેની એમણે સાવધાની રાખવાની છે. કારણ કે વધારે પડતા બંધનોમાંથી વિદ્રોહી ભાવના જાગે છે અને એના દુષ્પરિણામો સમાજે જોયા છે. આપણે ત્યાં દીકરીઓની કેળવણીની બાબતમાં અને એમને મળતી સ્વતંત્રતાની બાબતમાં ભાગ્યે જ જાહેરમાં ચર્ચા થાય છે. એને કારણે માતા-પિતાની આદર્શ પેરેન્ટ તરીકેની કેળવણી પણ અધૂરી રહી જાય છે. આપણા દેશમાં પેરેન્ટિંગ વિશે બહુ જ અલ્પ પ્રમાણમાં કામ થયું છે અને હજુ પણ પદ્ધતિસર એ કામ ક્યારે શરૂ થશે એ તો નક્કી જ નથી.
ઘણા પરિવારોમાં તો નાની-નાની બાબતોમાં દીકરી વિશે વિવાદ થતો હોય છે. કેટલીક દીકરીઓ તો પોતાની માતા સાથે પણ વિવેકપૂર્વક પ્રસ્તુત થતી નથી. આગળ જતાં દીકરીઓ પોતાની માતાને કંઈક સંભળાવતી રહે છે અને પિતાનો એક શબ્દ સાંભળવા તૈયાર નથી. છાને પગલે પરિવારમાં એક પ્રકારની કડવાશ પ્રવેશી જાય છે. આ સમસ્યા શહેરી વિસ્તારોમાં અધિક છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી છે. પરંતુ આગળ જતા બધે એક સરખી રીતે આ સમસ્યા જોવા મળશે.
જો દીકરીઓની કેળવણીમાં માતા-પિતા તરફથી ભૂલચૂક રહી ગઈ હશે તો એના જોખમી પરિણામો પણ એ પરિવારે જ ભોગવવાના આવશે. દીકરીઓના કિસ્સામાં આપણે અનેક દ્રષ્ટાન્તો એવા જોયા છે કે ભલીભોળી અને હોશિયાર દીકરીનો કંઈ જ વાંક ન હોય અને પોતે સર્વ ગુણસંપન્ન હોય તો પણ લગ્ન પછી સામાવાળા સાસરિયાઓને કારણે એને સહન કરવાનું આવે છે. અને એમાં પણ મુખ્ય કારણ તો લગ્ન પહેલા બતાવેલા આંબા-આંબલી જ હોય છે અને પછી ખબર પડે છે કે રાજકુમાર તો કંઈ કમાતા જ નથી.
પરંતુ અન્ય કેટલાક કિસ્સામાં દીકરીના પક્ષે માતા-પિતાની પણ ભૂલો હોય છે. આપડી દીકરીમાં વાત કરવાનો વિવેક ન હોય અને કોઈ કામકાજમાં એનો હાથ વળ્યો જ ન હોય તો એની ચોખવટ કરી દેવી સારી. અને અત્યારે એવી ચોખવટ બધા કરે જ છે કે અમારી દીકરી કંઈ કામ નહિ કરે. ખાલી રસોઈ કરશે. સાચું કહેવામાં શું વાંધો છે. ઘણીવાર દીકરીના માબાપ સ્પષ્ટતા નથી કરતા એનાથી સાસરિયે ગયા પછી ક્લેશ વધી જાય છે. મોટાભાગના માતા-પિતા એ સ્વીકારવા તૈયાર હોતા નથી કે તેમનાથી દીકરીના ઉછેરમાં ગંભીર ભૂલો રહી ગઈ છે. જેઓ સ્વીકારતા નથી એમના દ્વારા સંતાનોની અધૂરી રહેલી કેળવણી નવેસરથી શરૂ થવાથી પણ કોઈ સંભાવના હોતી નથી. ક્યારેક દીકરાવાળાને એમ પણ કહી દેવાય કે એને રસોઈ શીખવાનો ઉત્સાહ છે. પણ આવડતી નથી. ભણવામાં જ રહી છે તે એ બધું બાકી છે. તમે થોડી હૂંફ રાખજો તો એને તરત આવડી જશે. પરંતુ બધા જ કિસ્સામાં આવું થતું નથી.
જે દીકરીને એના યૌવનમાં સુશિક્ષિત અને સંસ્કારી બહેનપણીઓ મળી જાય, એના જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. ભલે ઘરમાંથી સંસ્કાર ન મળ્યા હોય તો પણ બીજા પરિવારોના સુસંસ્કારો સખીઓ દ્વારા કન્યાના હૃદયમાં માળો બાંધે છે. અને એના માતાપિતાની ભૂલોને એ પોતાની જિંદગીમાં જાતે સુધારે છે. એ તો અનેક વખત કહેવામાં આવ્યું જ છે કે બાળકોની હાજરીમાં પતિ-પત્નીએ વિવાદ ન કરવો. પરંતુ એનું પાલન થતું નથી. શરૂઆતમાં તો બાળકો નાના હોય ત્યારે એ વિવાદનો લાભ લેવાનું શીખે છે. પરંતુ આગળ જતાં તેઓ એવા જ પ્રકારના કલેશ કરતા થઇ જાય છે. એવું પણ જોવામાં આવ્યું છે કે જે પરિવારમાં ગૃહસ્થ તો જાતે ગૃહિણીને બહુ સન્માનથી ન જોતો હોય અને પૂરતો આદર વ્યક્ત ન કરતો હોય તો એવા ગૃહસ્થને તેના જ ઘરના અન્ય સ્ત્રી પાત્રો દ્વારા સન્માન મળવાની શક્યતા બહુ ઓછી છે.
એક પિતા જો પોતાની પુત્રીની હાજરીમાં એ પુત્રીની માતાનું અપમાન કરતો હોય તો એણે સમજી લેવાનું છે કે આ પુત્રી મોટી થઇ ને મારું પણ અપમાન કરશે. આ બધી વાતો તો દાંપત્ય જીવનના પ્રારંભિક તબક્કાની છે અને એટલી સમજણ જે દંપતીમાં ન હોય તેમણે પોતાના સંતાનો તરફથી ઓછો વધતો ક્લેશ સહન કરવાનો આવે છે. ઉપરાંત પોતાના માતા-પિતાને જે બાળકો સદાય પરસ્પર પ્રસન્ન રહેતા જોતા નથી, આગળ જતા તેમના પોતાના દામ્પત્ય જીવનમાં પણ સંપ અને સુલેહ થવાની શક્યતા ઘટી જાય છે. આવા સંજોગોમાં એ સંતાનો ઉગરી જાય છે જેમને પોતાના સખીવૃંદમાંથી કે મિત્રવૃંદમાંથી પ્રેરણાના પ્રવાહો પ્રાપ્ત થતા રહે છે.
મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટની સગવડ થયા પછી જગતભરમાં ડોકિયું કરવા માટેની બારીઓ હવે ખુલી ગયેલી છે. એની કેટલીક મર્યાદાઓ છે, પરંતુ વિશેષતાઓ બહુ છે. સંતાનો યુવાન થતાં પહેલાં જ બહારના જગત વિશે બધું જાણતા થઈ જાય છે. ખાસ તો માનવ સ્વભાવ વિશે તેનો અભ્યાસ વધી જાય છે. ઉપરાંત પોતે જે જમાનામાં છે, એ જમાનાનો સાર પણ એને ખબર પડે છે. એને કારણે તેનામાં ન્યાયદ્રષ્ટિ વિકસે છે. દુનિયામાં કેટલા લોકો પોતાના પરિવાર કરતાં વધુ સુખી છે એ જોઈને એના લક્ષ્યાંકો નક્કી થાય છે. અને કેટલા લોકો દુઃખી છે એ જોઈને એને પોતાના વર્તમાનમાં સંતોષ પણ મળે છે. જિંદગીના વિષાદયોગોને દીકરી સાસરે જતાં પહેલાં જ ઓછાવત્તા જાણી લે છે. એને કારણે એને પોતાની જિંદગીનો લાંબો પંથ પસંદ કરવામાં ઘણી અનુકૂળતા રહે છે.