હેડક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાનું જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, આ મામલે અત્યારસુધીમાં ૬ લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. જે બાદ યુવરાજસિંહ જાડેજાએ પણ મીડિયાને સંબોધન કર્યુ છે. જેમાં સરકારને અલ્ટિમેટમ આપીને કહ્યુ છે કે, ‘અસિત વોરાને (ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ) આ તપાસમાંથી દૂર કરો, ૭૨ કલાકમાં આ કાર્યવાહી નહીં થાય તો ધરણાં કરીશું.’
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ બાદ યુવરાજસિંહે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યુ કે, હજુ પણ અમારી પાસે ગુપ્ત પુરાવા છે. આ ગુપ્ત પુરાવા અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપીશું. આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં થાય એ જ અમારી માંગ છે