જિલ્લાના ઓલપાડ તાલુકાના પરીઆ ગામના ગૌચર વિસ્તારમાં ચોથી ઓક્ટોબરના રોજ એક અજાણી મહિલાની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ગંભીર ગુનાને સુરત જિલ્લા પોલીસે ઉકેલી નાંખીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત ચોથી ઓક્ટોબરના રોજ સવારે પરીઆ ગામના ગૌચર વિસ્તારમાંથી આશરે ૨૫ વર્ષની એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. અજાણ્યા ઇસમોએ તિક્ષ્ણ હથિયારથી મહિલાના ગળાના ભાગે ઘા મારી ગળું કાપી નાખ્યું હતું. આ સાથે તેના બંને હાથના કાંડા કાપી નાખ્યા હતા અને પેટના તથા થાપાના ભાગે ઘા મારી તેની હત્યા કરી હતી. આ મામલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ અને ગુનાવાળી જગ્યા પરથી મળી આવેલા બિલિમોરાની મેંગુશી જનરલ હોસ્પિટલના બિલના આધારે તપાસની દિશા નક્કી કરી. આના પરથી મૃતક મહિલાની ઓળખ સોનલ રાઠોડ (રહે. બારડોલી) તરીકે થઈ હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સોનલ રાઠોડ છ મહિના પહેલા પોતાના પતિને છોડીને શોયેબ ઉર્ફે બોબડો ઇશાક શેખ (રહે. બારડોલી) નામના ઇસમ સાથે રહેતી હતી. આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. શોયેબ ચોરી કરવાની ટેવવાળો હતો અને જેલમાં હતો જ્યાં તેની ઓળખાણ ચોરી અને ઘરફોડના ગુનામાં સંડોવાયેલા વલ્લભ ઉર્ફે અનવર ભીખાભાઈ વસાવા (રહે. મિસરાડ, કરજણ, વડોદરા) સાથે થઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ શોયેબ અને સોનલ વલ્લભના ઘરે રહેવા ગયા હતા. ત્યારબાદ આ ત્રણેય સાથે રાહુલ ઉર્ફે કાળિયો ફુલચંદ યાદવ (રહે. રખડતો ભટકતો, યુ.પી. વતન) પણ ચોરીના ધંધામાં જાડાયો હતો.

નવરાત્રી દરમિયાન વલ્લભની પત્નીએ સોનલ અને વલ્લભને ખાનગીમાં વાત કરતા જાઈ લેતા ઘરે મોટો ઝઘડો થયો હતો. કાળિયાએ સોનલ સાથે શારીરિક છેડછાડ કરતા શોયેબે કાળિયાને માર માર્યો હતો. જેની અદાવત કાળિયાના મનમાં હતી. તા. બીજી ઓક્ટોબરના રોજ સોનલે ગાળો બોલવા બદલ વલ્લભ ઉર્ફે અનવરને બે તમાચા મારી દીધા હતા. બીજા દિવસે શોયેબે પણ સોનલ સાથે અફેરની શંકા રાખી વલ્લભને ગાળો બોલી હતી. સોનલના તમાચા અને અગાઉના ઝઘડાઓની અદાવત રાખીને કાળિયા અને વલ્લભે મળીને સોનલને મારવાનો પ્લાન બનાવ્યો હતો. સોનલની તબિયત બગડતા તે શોયેબ સાથે સાયણ સી.એચ.સી.  હોસ્પિટલ ગઈ હતી, જ્યાંથી નર્સની ધમકીના કારણે બંને બહાર આવી ગયા. આ સમયે વલ્લભ અને કાળિયો પણ સાયણ આવી ગયા હતા. સાયણ બ્રિજ પાસે વલ્લભ અને કાળિયો સોનલને ફોસલાવીને રિક્ષામાં બેસાડી દેલાડ ગામ તરફ લઈ ગયા હતા. રસ્તામાં જ કાળિયા પાસેની છરી વડે વલ્લભ અને કાળિયાએ સોનલના ગળા, હાથના કાંડા, પેટ અને થાપાના ભાગે ઘા મારી તેની ઘાતકી હત્યા કરી દીધી. ત્યારબાદ લાશને ઢસડીને પરીઆ ગામના ગૌચરમાં મૂકીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે હ્યુમન અને ટેકનીકલ સોર્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વલ્લભ ઉર્ફે અનવર ભિખાભાઈ વસાવા (ઉ.વ. ૪૦, રહે. મિસરાડ, તા. કરજણ, જિ. વડોદરા) રાહુલ ઉર્ફે કાળિયો ફુલચંદ યાદવ (ઉ.વ. ૨૩, રહે. રખડતો ભટકતો, વતન- પ્રયાગરાજ, યુ.પી.) બંને આરોપીઓ પાસેથી ચોરીના કુલ ૨૨ મોબાઈલ ફોન કબ્જે લેવાયા છે. ઉપરાંત, સોનલને ભગાડી જનાર શોયેબ પાસેથી ચોરીના ત્રણ મોટર સાયકલ પણ જમા લેવામાં આવ્યા હતા.