પાકિસ્તાનના સિંધમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસે એક યુવતીની ધરપકડ કરી હતી. યુવતીએ કથિત રીતે તેના પરિવારના ૧૩ સભ્યોને ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખ્યા હતા. તેનું કારણ પણ સામે આવ્યું છે. હકીકતમાં યુવતીનો પરિવાર તેની મરજી મુજબ લગ્ન કરવા તૈયાર નહોતો. મળતી માહિતી મુજબ, આ મોત ૧૯ ઓગસ્ટના રોજ ખૈરપુર પાસેના હૈબત ખાન બ્રોહી ગામમાં થયા હતા. હવે એવું બહાર આવ્યું છે કે તેણે તેના પ્રેમી સાથે મળીને તેના માતા-પિતા સહિત પરિવારના તમામ સભ્યોને ઝેર આપવાનું કાવતરું ઘડ્યું હતું.
વરિષ્ઠ પોલીસ અધિકારી ઇનાયત શાહે જણાવ્યું હતું કે, “ખોરાક ખાધા પછી, તમામ ૧૩ સભ્યો બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તમામના મૃત્યુ થયા હતા. જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ લોકોનું મૃત્યુ ઝેરી ખોરાક ખાવાથી થયું હતું. ” તેણે કહ્યું કે જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો જાણવા મળ્યું કે દીકરી અને તેના પ્રેમીએ ઘરમાં રોટલી બનાવવા માટે વપરાતા ઘઉંમાં ઝેર ભેળવ્યું હતું. આ પછી પોલીસે રવિવારે તેની ધરપકડ કરી હતી.
૧૯ ઓગસ્ટના રોજ ઘરે જમ્યા બાદ પરિવારના ૯ સભ્યો બીમાર પડતા મૃત્યુ પામ્યા હતા. બીજા દિવસે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા.એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગામ્બટ ડીએસપી મલ્હીર ખાને જણાવ્યું હતું કે આ ઘટનાની પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને એવું માનવામાં આવે છે કે તેમના મૃત્યુનું કારણ કોઈ રહસ્યમય બીમારી અથવા ખોરાકમાં ઝેર હતું. જો કે, તેમણે કહ્યું કે પોલીસે ખૈરપુરના એસએસપી સમીઉલ્લાહ સૂમરોના નિર્દેશ પર જુદા જુદા ખૂણાથી તપાસ શરૂ કરી. ડીએસપીએ જણાવ્યું હતું કે પોલીસે બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્‌સ મેળવ્યા છે અને તે જાણવા માટે કામ કર્યું છે કે કયા પ્રકારના ઝેરી પદાર્થના કારણે આટલા બધા મૃત્યુ થયા. તપાસ દરમિયાન તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે પીડિતો દ્વારા ખાવામાં આવેલા ખોરાકમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું.
ડીએસપીએ કહ્યું કે તેઓએ તે જ સ્થળે રહેતા સંયુક્ત પરિવારના હયાત સભ્યોમાંથી એક શાઇસ્તા બ્રોહીની પૂછપરછ શરૂ કરી. ઘણી કઠોર પૂછપરછ દરમિયાન તેણી આખરે ભાંગી પડી હતી અને તેણે કબૂલાત કરી હતી કે તેણે પરિવારને આપવામાં આવેલા ખોરાકમાં ઝેર ભેળવ્યું હતું. તેણે કહ્યું કે આ પ્રવાહી તેને તેના બોયફ્રેન્ડ આમિર બક્ષ બ્રોહીએ આપ્યું હતું. ડીએસપીએ કહ્યું કે શાઇસ્તા આમિર બક્ષના પ્રેમમાં હતી પરંતુ તેનો પરિવાર આ પ્રસ્તાવ માટે રાજી ન હતો. તેણે કહ્યું કે એક દિવસ આમિરે તેને એક પ્રવાહી આપ્યું અને તેને ખોરાકમાં ભેળવવા કહ્યું. તેણે તેને ખાતરી આપી કે આ ખાધા પછી તેનો પરિવાર લગ્નના પ્રસ્તાવ માટે સંમત થશે અને પછી તેઓ લગ્ન કરી શકશે. શાઈસ્તા દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી એક વિડિયો ક્લીપ પણ તે આવું નિવેદન કરતી જોવા મળે છે. ડીએસપીએ કહ્યું કે શાઇસ્તા અને આમિર બક્ષની બરાડી જટોઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.