માણાવદર તાલુકાના દડવા ગામે રહેતા એક યુવકનો ન્યૂડ વીડિયો બનાવી પૈસાની માંગણી માટે વારંવાર ફોન કરી ખોટી એફઆરઆઈની નકલ મોકલવામાં આવતા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાંના બે શખ્સો ઝડપાઈ ગયા હતા. જેમાંથી એક શખ્સ મૂળ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના તોરી ગામનો હોવાનું જણાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક માસ પહેલા ફરિયાદી ભાણજીભાઈ રાઠોડે જણાવ્યુ કે, માણાવદર તાલુકાના દડવા ગામે રહેતા અમિત રાઠોડ નામના યુવક સાથે અજાણી યુવતીએ મિત્રતા કેળવી વીડિયો કોલ કર્યો હતો. યુવતીએ વાતોમાં ફસાવી અમિત રાઠોડનાં કપડાં ઊતરાવી નાખ્યાં હતાં અને સ્ક્રીન રેકોર્ડ કરી લીધી હતી. ત્યાર બાદ અમિત રાઠોડને અલગ અલગ નંબર પરથી અલગ અલગ વ્યક્તિઓના ફોન અને તેનો જ નગ્ન વીડિયો મોકલવામાં આવ્યો હતો, જે વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અમિત પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સામેથી પૈસાની માગણી સતત ચાલુ જ રહી હતી. ત્યાર બાદ અમિત પર દિલ્હી એસપીના નામે ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે યુવતીએ આત્મહત્યા કરી લીધી છે અને તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમિતના વ્હોટ્‌સએપ પર ખોટી એફઆઈઆર પણ મોકલવામાં આવી હતી. આ બાબતથી અમિત ખૂબ જ ગભરાઈ ગયો હતો અને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. અમિતની આત્મહત્યા બાદ તેનાં પરિવારજનો દ્વારા એક યુવતી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસને બે આરોપી સુધી પહોંચવામાં સફળતા હાથ લાગી છે. અમિત રાઠોડ દ્વારા રૂ. ૪૮પ૦૦ જે બેંક ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એના આધારે પોલીસે તેલંગાણાના મનોજ ઉર્ફે સની અને અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના તોરી ગામના વિશાલ ધીરૂભાઈ તળાવીયાને સુરતથી ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી વિશાલ વર્ષોથી સુરત સ્થાયી થયો છે પરંતુ તેનું મૂળ વતન વડીયા તાલુકાનું હોવાથી વડીયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.