યુરોપિયન યુનિયને રશિયા સાથે ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે સંમત થવાના યુક્રેનના નિર્ણયનું સ્વાગત કર્યું. મંગળવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં અમેરિકા સાથેની વાતચીત દરમિયાન યુક્રેને રશિયા સાથે ૩૦ દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, હાલમાં એ સ્પષ્ટ નથી કે રશિયા આ પ્રસ્તાવ સ્વીકારશે કે નહીં, કારણ કે ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) એ બુધવારે કહ્યું હતું કે તે વાટાઘાટોના પરિણામો વિશે અમેરિકા પાસેથી માહિતી મેળવવાની રાહ જોઈ રહ્યું છે.

૨૭ દેશોના ઈેં એ કહ્યું કે તે યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્‌સ અને અન્ય ભાગીદારો સાથે ભવિષ્યના પગલાંને સમર્થન આપવામાં તેની “સંપૂર્ણ ભૂમિકા” ભજવવા માટે તૈયાર છે.ઇયુના વિદેશ બાબતો અને સુરક્ષા નીતિના પ્રતિનિધિ કાજા કલ્લાસે જણાવ્યું હતું કે ઈયુ “સાઉદી અરેબિયામાં તેમની બેઠક બાદ યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ્‌સ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનનું સ્વાગત કરે છે, જેમાં યુદ્ધવિરામ કરારનો પ્રસ્તાવ શામેલ છે.”

કાજા કલ્લાસે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્‌સ અને અન્ય ભાગીદારો સાથે મળીને ભવિષ્યના પગલાંને સમર્થન આપવામાં તેની સંપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ દરમિયાન, રશિયા દ્વારા યુક્રેનમાં ઘાતક મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. રશિયા દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓમાં ઓછામાં ઓછા પાંચ નાગરિકોના મોત થયા છે. મંગળવારે સાઉદી અરેબિયામાં કિવ અને વોશિંગ્ટન વચ્ચેની વાટાઘાટો દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન આક્રમણનો સામનો કરવા માટે યુક્રેનને લશ્કરી સહાય પરનો નાકાબંધી હટાવ્યા બાદ આ હુમલાઓ થયા હતા.