યુરોપિયન દેશ કોસોવોની સંસદમાં ગુરુવારે ધબધબાટી બોલી હતી. ભાષણ દરમિયાન વિપક્ષના સાંસદે વડાપ્રધાન એલ્બિન કુર્તી પર પાણી ફેંક્યું હતું. પીએમ કુર્તિ દેશના ઉત્તર ભાગમાં વંશીય સર્બો સાથેના તણાવને ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં વિશે જણાવી રહ્યા હતા.
સંસદમાં ભાષણ દરમિયાન, ડેમોક્રેટિક પાર્ટી ઓફ કોસોવોના સાંસદ મર્ગિમ લુશ્તાકુ તેમની પાસે ગયા અને તેમના મોઢા પર પાણી ફેંક્યું હતું. જેના કારણે વિવાદ શરૂ થયો હતો. રોયટર્સ અનુસાર, હોબાળા વચ્ચે કુર્તિને એસેમ્બલી હોલમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા. કુર્તિએ કહ્યું છે કે તેઓ ઉત્તર કોસોવોમાં પોલીસ અને નવા અલ્બેનિયન મેયરોની તહેનાતી સાથે કાયદો અને વ્યવસ્થા લાગુ કરી રહ્યા છે.
અમેરિકા અને ઇયુએ તેમને અપીલ કરી કે જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી મેયરોને ઉત્તરીય વિસ્તારોથી દૂર મોકલે. તેમણે પીએમ કુર્તિ પર સ્થિતિને શાંત કરવા દબાણ કર્યું હતું. મે મહિનામાં પોલીસ સમર્થિત અલ્બેનિયન મેયરોની ચૂંટણી બાદ અહીં હિંસા ફાટી નીકળી હતી. સર્બોએ આ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો. સ્થાનિક સર્બ, કોસોવો પોલીસ અને નાટોની આગેવાની હેઠળ શાંતી જાળવી રાખવા માટે ગયેલા સૈનિકો સાથેની ઝપાઝપીમાં ડઝનેક લોકો ઘાયલ થયા હતા.
કોસોવોની વિપક્ષ પાર્ટી હંમેશા ઉત્તર પ્રદેશમાં પીએમ કુર્તિની નીતિઓની ટીકા કરે છે, જેના કારણે પશ્ચિમી દેશો સાથેના તેમના સંબંધોમાં તણાવ આવ્યો છે. કુર્તિએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ ઉત્તર કોસોવોમાં વંશીય સર્બ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ચાર મ્યુનિસિપાલિટીની બહાર તહેનાત વિશેષ પોલીસ અધિકારીઓની સંખ્યામાં ઘટાડો કરશે અને દરેક નગરમાં નવા મેયર માટે ચૂંટણી યોજશે.
મ્યુનિસિપલ કચેરીઓમાંથી ઘણા વિશેષ પોલીસ દળોને હટાવી દેવામાં આવ્યા છે. આ પગલાથી વિપક્ષ નારાજ થયું. વિપક્ષે આરોપ લગાવ્યો કે કુર્તિએ મહિનાઓ સુધી ઘણા પ્રયોગો કર્યા હતા, જેના કારણે કોસોવોનો આંતરરાષ્ટિય દરજ્જા જાખમમાં મુકાયો હતો અને આવું કરીને તેઓ પાછળ હટી ગયા હતા.