યોગી સરકાર તહેવાર પર રાજ્યની મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપીને હોળીની ભેટ આપવા જઈ રહી છે. સરકારના આ પ્રયાસથી રંગોનો આ તહેવાર રાજ્યની ગરીબ મહિલાઓ અને તેમના પરિવારો માટે ખાસ બનશે. આનાથી રાજ્યના ૧.૭૫ કરોડ લોકોને સીધો ફાયદો થશે. આ પહેલા યોગી સરકારે પણ દિવાળી પર મહિલાઓને ફ્રી સિલિન્ડરની ભેટ આપી હતી.
નોંધનીય છે કે યોગી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એક વર્ષમાં બે મફત સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો હતો. આ ક્રમમાં, પહેલું સિલિન્ડર દિવાળી પર અને હવે બીજું સિલિન્ડર હોળીના અવસરે ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. યોગી સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લગભગ ૧.૭૫ કરોડ લાભાર્થીઓને બે મફત સિલિન્ડર રિફિલનું વિતરણ કરવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૩૧૨ કરોડ રૂપિયાની બજેટ જાગવાઈ કરી છે.
યોજનાના પ્રથમ તબક્કા હેઠળ, દિવાળીના તહેવાર માટે લાભાર્થીઓને મફત સિલિન્ડરનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ક્રમમાં, ૧ નવેમ્બર, ૨૦૨૩ થી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં કુલ ૮૦.૩૦ લાખ લાભાર્થીઓને સિલિન્ડર રિફિલ પહોંચાડવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં હવે હોળીના તહેવાર નિમિત્તે લાભાર્થીઓને મફત સિલિન્ડરનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંતર્ગત ૨ જાન્યુઆરી, ૨૦૨૪થી અત્યાર સુધીમાં લગભગ ૫૦.૮૭ લાખ લાભાર્થીઓને સિલિન્ડર રિફિલ પહોંચાડવામાં આવ્યા છે. આમ, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૩૧.૧૭ લાખ (૧.૩૧ કરોડથી વધુ) સિલિન્ડર રિફિલ કરવામાં આવ્યા છે. ૧૦ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજનાની શરૂઆત કરતી વખતે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક સાથે લાખો ઉજ્જવલા લાભાર્થીઓના ખાતામાં સબસિડીની રકમ ટ્રાન્સફર કરી હતી.