દેશમાં નેતા હવે વિવાદાસ્પદ નિવેદન આપતા જ રહે છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. તો સાથે સાથે ધર્મની રાજનીતિએ પણ જોર પકડ્યું છે. પાર્ટીનાં નેતાઓ તરફથી હવે બેફામ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આ કડીમાં યોગી સરકારનાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી ઠાકુર રઘુરાજ સિંહે મદરસાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
યુપી સરકારનાં મંત્રી રઘુરાજ સિંહે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. સિંહે એક વીડિયો જોહેર કરીને કહ્યું કે, મદરસામાંથી આતંકીઓ બહાર આવે છે. જો ભગવાન મને તક આપશે તો હું સમગ્ર દેશની મદરસાઓ બંધ કરી દઈશ. મંત્રી રઘુરાજ સિંહે કહ્યું કે, આ દરમિયાન મન્નાન વાનીનો ઉલ્લેખ થયો. વળી, રઘુરાજ સિંહનાં આ નિવેદનથી યુપીમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. મંત્રી રઘુરાજ સિંહે દાવો કર્યો કે, યુપીમાં પણ મદરસા સતત વધી રહી છે. સિંહે કહ્યું કે, પહેલા યુપીમાં ૨૫૦ મદરેસા હતા, પરંતુ આજે તે ૨૨૦૦૦ મદરસા બની ગયા છે. યુપી સરકારનાં મંત્રીએ વધુમાં કહ્યું કે હું મોદી સરકારને સમગ્ર દેશમાં મદરસાઓ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરીશ. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી રઘુરાજ સિંહે કહ્યું કે, કેરળમાં ઈસ્લામિકવાદ ચાલે છે. ત્યાં હિંદુ દીકરીઓ પર અત્યાચાર થાય છે કારણ કે ત્યાં સામ્યવાદી સરકાર છે. આતંકવાદને લઈને રઘુરાજ સિંહે કહ્યું કે સાપની જેમ તેના ફેંણને કચડી નાખવો જરૂરી છે.
રઘુરાજ સિંહ આ પહેલા પણ વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦નાં રોજ રઘુરાજ સિંહે કેન્દ્ર સરકાર પાસે બુરખા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સિંહે કહ્યું હતું કે, તેમણે બુરખા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી કારણ કે તેની મદદથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે છે. ચીન, શ્રીલંકા ઉપરાંત વિશ્વનાં ઘણા બિન-મુસ્લિમ દેશોમાં બુરખો લગભગ બંધ છે. આતંકવાદને ખતમ કરવા માટે બુરખા પર પ્રતિબંધ મૂકવો પડશે. ભારત સરકાર પાસે મારી એવી માંગણી છે.”