યુપીના બસ્તીમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ૪ વર્ષની બાળકી પર બળાત્કાર થયો છે. છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને આરોપીને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ મામલે એસપી અભિનંદનનું નિવેદન પણ સામે આવ્યું છે.
સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક અભિનંદને જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે છોકરી તેની માતા સાથે રસ્તાના કિનારે સૂઈ રહી હતી. તેમણે કહ્યું કે બળાત્કાર પીડિતાની માતાએ જણાવ્યું કે જ્યારે તે સવારે પાંચ વાગ્યે ઉઠી ત્યારે તેણે જોયું કે તેની પુત્રી ગુમ છે.
એસપી અભિનંદને જણાવ્યું હતું કે બાદમાં છોકરીની માતા તેને નજીકમાં મળી અને શંકા ગઈ કે તેના પર બળાત્કાર થયો છે. તેમણે કહ્યું કે છોકરીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને છોકરીની માતાની ફરિયાદ પર આ સંદર્ભમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ફોરેન્સીક ટીમ પુરાવા એકત્રિત કરી રહી છે અને આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.
આ પહેલા મંગળવારે બુલંદશહેર જિલ્લાના ખુર્જા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા પર ચાલતી કારમાં સામૂહિક બળાત્કાર થયો હતો. શનિવારે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સંયુક્ત પોલીસ ટીમે બપોરે લગભગ ૨ઃ૩૦ વાગ્યે અરનિયા વિસ્તારમાં બુલંદશહેર-અલીગઢ હાઇવે નજીક આરોપીને પકડી પાડ્યો. પોલીસ સાથેની એન્કાઉન્ટર દરમિયાન બે કથિત આરોપીઓને પગમાં ગોળી વાગી હતી.
અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) ડા. તેજવીર સિંહે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ સંદીપ, ગૌરવ અને અમિત તરીકે થઈ છે. આ એન્કાઉન્ટરમાં સંદીપ અને ગૌરવ ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે સંદીપ અને અમિત ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રહેવાસી છે, જ્યારે ગૌરવ ગાઝિયાબાદ જિલ્લાનો રહેવાસી છે. પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી ગેરકાયદેસર હથિયારો, દારૂગોળો અને ગુનામાં વપરાયેલ વાહન જપ્ત કર્યુંછે. બંને ઘાયલ આરોપીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના પર પ્રકાશ પાડતા સિંહે કહ્યું, “મંગળવારે સાંજે, આરોપીઓએ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના સૂરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે મહિલાઓને ઉપાડી લીધી અને બળજબરીથી તેમની કારમાં બેસાડી.” “બાદમાં, મેરઠ જિલ્લાના જાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાને વાહનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો અને બાદમાં તેનું મૃત્યુ થયું. બીજી મહિલા પર ચાલતી કારમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો.” પોલીસે જણાવ્યું હતું કે ઘટના અંગે પીડિતાની ફરિયાદ પર, બુધવારે ખુર્જા પોલીસ સ્ટેશનમાં બીએનએસની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.