બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ લખનઉમાં ૬૬મા મહાપરિનિર્વાણ દિવસ પર ડો. ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સપા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.માયાવતીએ કહ્યું કે, જનતા જોણે છે કે સપાના શાસન દરમિયાન ગુંડાગીરી ચરમ પર હતી. બીએસપીના શાસનકાળમાં કાયદાનું શાસન હતું.
માયાવતીએ કહ્યું કે, જો આજે ભાજપ કહે છે કે, તેમના શાસનમાં કાયદાનું શાસન છે, તો પણ એવું કંઈ નથી, ઉત્તર પ્રદેશમાં એવો કોઈ દિવસ નથી કે, જેમાં નાની જોતિઓ પર અત્યાચાર ન થતો હોય. મીડિયામાં આવા અહેવાલો ભાગ્યે જ જોવા મળે છે.
માયાવતીએ કહ્યું કે, દેશ આજે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરનો ૬૬મો પરિનિર્વાણ દિવસ ઉજવી રહ્યો છે. તેમણે પછાત અને દલિત લોકોને કાયદેસરના અધિકારો અપાવવાનું મહાન કાર્ય કર્યું છે. બાબા સાહેબે દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો, લઘુમતી અને મહિલાઓના ઉત્થાન માટે લડત ચલાવી હતી. આજે કેન્દ્ર અને રાજ્યોમાં જ્ઞાતિવાદી સરકારોની ઉદાસીનતાના કારણે તેઓ તેમના દ્વારા ઘડવામાં આવેલા બંધારણમાં આપવામાં આવેલા લાભોનો લાભ લઈ શકતા નથી. બાબા સાહેબ ગરીબો માટે લડ્યા હતા. દેશના પ્રથમ કાયદા મંત્રી બાબા સાહેબના વિચારોને હંમેશા અનુસરીને બસપાએ જનહિતમાં ઐતિહાસિક કાર્ય કર્યું છે.
માયાવતીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં અને ઘણા રાજ્યોમાં સત્તા પર બેઠેલા તમામ લોકો બાબા સાહેબની વિરુદ્ધ છે. જનતાને અપીલ કરતા માયાવતીએ કહ્યું કે, આપણે સત્તા બદલવી પડશે. અમે હંમેશા બાબા સાહેબના વિચારને આગળ ધપાવીશું. સત્તા પરિવર્તનથી સંવિધાન બચશે, રસ્તા પર ઉતરીને નહીં. બસપા બંધારણ બચાવવા અને દલિતો અને પછાત લોકોના અધિકારો માટે લડી રહી છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે દલિતોના મતોનું વિભાજન કરવા માગે છે.